જસદણ તાલુકાના ખારચીયા(જામ) ગામે પૂર્વ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરાની એમ.એમ. યાન્સ પેઢીમાં તોડફોડ અને લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. સ્વીફ્ટ કાર લઈને ધસી આવેલ જસદણના ઉદય ધાધલ નામના શખસે સળિયા વડે ઓફિસના કાચ તોડી નાખ્યા હતા. બાદમાં ઓફિસમાં રહેલ રોકડ ઉઠાવી ફરાર થઇ ગયો હતો. બનાવને લઇ આટકોટ પોલીસે તોડફોડ, લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લાના વતની અને હાલ જસદણના ખારચીયા(જામ) ગામે એમ.એમ. યાન્સ કંપની કોલોનીમાં રહી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરનાર મુનેશસિંહ બચ્ચુસિંહ રોતેલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઉદય દિલીપભાઈ ધાધલ(રહે. જસદણ)નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગઇ તા.૨૭/૦૯/૨૦૨૬ ના રોજ રાત્રીના સાડા આઠ વાગ્યે એમ.એમ.યાન્સના મુખ્ય ગેટ પાસે સીકયુરીટી તરીકે ફરજ પર હતો. તેની સાથે શ્યામકુમાર દરજી તથા ઇકબાલ ઠાકુર પણ સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરવા આવ્યા હતા. દરમિયાન તા.૨૮/૦૯/૨૦૨૬ ના વહેલી સવારના આશરે પોણા છ વાગ્યે એક સફેદ કલરની સ્વીફટ ગાડી મુખ્ય ગેઇટ પાસે આવી હતી. જેમાથી એક વ્યકતી આશરે ૨૫ થી ૩૦ ઉમર વર્ષનો લોખંડનો રોડ લઇને ડ્રાઇવર સીટ પરથી ઉતરી તેમની તરફ આવ્યો હતો. મુખ્ય ગેઇટ પાસે આવી ડોકટર બોઘરાનુ નામ લઇ ગાળો આપી, સીકયુરીટી ઓફિસના કાચ તોડવા જતા તેને અટકાવતા તેણે કહ્યું હતું કે સાઈડમાં જતા રહો. તમે કોઇ વચ્ચે આવતા નહી. નહીંતર તમને મારીશ.
આ એમ.એમ.યાન્સના માલીકોને મારી નાખવા છે, આ કંપની સળગાવી નાખવી છે તેમ કહી ધમકી આપતા ફરિયાદી ડરી જતા સાઇડમા જતા રહ્યા હતા. બાદમાં આ શખસે પોતાની પાસે રહેલ લોખંડના રોડથી સીકયુરીટી ઓફિસના ત્રણ બાજુના કાચ તોડી નાખ્યા હતા. ઓફિસમા વે-બ્રીજ (વજન) કાંટાના ચાર હજાર રોકડા લાલ કલરના ડબ્બામાં પડેલ હતા તે રૂપીયા લઇ ગાડીમાં બેસી જતો રહ્યો હતો.
સિક્યુરિટી ગાર્ડએ વધુમાં જણાવ્યું હતું કે, ત્યારબાદ તેણે શેઠ રમેશભાઈને બનાવની જાણ કરતા તેમણે કહ્યું કે, હું બહાર છું, હું ભુપતભાઈ તથા પોલીસને જાણ કરી આપુ છુ તેમ જણાવ્યું હતું. થોડીવારમાં ભુપતભાઈ ભાયાણી તથા નટુભાઈ નાવડીયા વગેરે આવી ગયા હતા. તેમણે સીસીટીવી ફૂટેજ ચેક કરી તોડફોડ કરી રોકડ લૂંટી જનાર શખસનું નામ ઉદયભાઈ દીલીપભાઇ ધાધલ જણાવેલ હતું. બાદ યુવાને ઓફિસના કાચ તોડી રૂ. 35 હજારની નુકસાની કરી રૂ. 4 હજારની રોકડ લૂંટી જનાર શખ્સ સામે આટકોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જે પેઢીમાં તોડફોડ કરી રોકડની લૂંટ ચલાવવામાં આવી હતી તે એમ.એમ. યાન્સ પેઢીની માલિકી પૂર્વ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરત બોઘરાની છે.