રાજકોટ જિલ્લાના મેટોડા વિસ્તારમાંથી એક પ્રેરણાદાયી અને માનવતા મહેકાવતી ઘટના સામે આવી છે, જ્યાં ખરાબ રસ્તા અને અગવડતા વચ્ચે ૧૦૮ એમ્બ્યુલન્સ અને એક બળદગાડું મળીને માતા અને નવજાત બાળકના જીવન માટે તારણહાર સાબિત થયા છે. સમયસૂચકતા અને સાહસના કારણે એક મોટો જીવ બચી ગયો છે.
મેટોડા ગામના વાડી વિસ્તારમાંથી તા. ૨૧/૯/૨૦૨૬ ના રોજ વહેલી સવારે ૭:૦૦ વાગ્યે ૧૦૮ એમ્બ્યુલન્સને પ્રસૂતિનો એક ઇમરજન્સી કોલ મળ્યો હતો. એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે જવા રવાના થઈ, પરંતુ વાડી તરફનો રસ્તો અત્યંત ખરાબ અને કાચો હોવાને કારણે એમ્બ્યુલન્સ આગળ જઈ શકી નહીં અને રસ્તામાં જ ફસાઈ ગઈ હતી.
બીજી બાજુ સગર્ભા મહિલાને પ્રસૂતિનો તીવ્ર અને અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. તે જ સમયે ફોન પર જાણ કરવામાં આવી કે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ ઘરે બાળકનો જન્મ થઈ ચૂક્યો છે, જેથી ત્વરિત મદદ માટે વિનંતી કરવામાં આવી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૧૦૮ના ઇએમટી વ્યોમા ભીલવાળા અને પાયલોટ મહેશભાઈ વઘેરાએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જરૂરી મેડિકલ સાધન-સામગ્રી સાથે અંદાજે ૫૦૦ મીટર જેટલું અંતર દોડીને સીધા વાડી સુધી પહોંચ્યા હતા.
વળી નીકળી ન શકાય તેવી પરિસ્થિતિમાં બળદ ગાડામાં માતા અને બાળકને લઈ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે CHC લોધિકા હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
૧૦૮ના સ્ટાફે સમયસૂચકતા દાખવીને તાત્કાલિક સ્થળ પર પહોંચીને નવજાત બાળકને જરૂરી કાળજી આપી હતી. તેમજ માતાને જરૂરી ઇન્જેક્શન આપીને આગળની પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી, જેના પરિણામે માતા અને બાળક બંનેનો જીવ સુરક્ષિત બચી ગયો હતો.