સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગત સપ્તાહથી વરસાદે સંપૂર્ણ વિરામ રાખ્યા બાદ હવે ચોમાસાની વિદાયના સંકેતો વધુ સ્પષ્ટ બન્યા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર અને ત્યારબાદનું ડિપ્રેશન ઉત્તર તથા ઉત્તર-પૂર્વ ભારત તરફ ફંટાતા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો છે, જ્યારે ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ માટે જરૂરી હવામાન પ્રણાલીનો અભાવ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગ અમદાવાદે તા.27 સપ્ટેમ્બરે સાંજે જાહેર કરેલા બુલેટિન મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સંપૂર્ણ શુષ્ક રહ્યું હતું. વિભાગે આગામી સાત દિવસની આગાહીમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાભાગે શુષ્ક હવામાનની શક્યતા દર્શાવી છે. 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ખાસ સંભાવના નથી. 1 ઓક્ટોબરે કચ્છમાં એકાદ સ્થળે અને 2 ઓક્ટોબરે જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા તથા કચ્છમાં છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવાઈ છે. ત્યારબાદ 3 અને 4 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી શુષ્ક હવામાનની આગાહી છે.
દરમિયાન, હવામાન વિભાગે ચોમાસાની વિદાય રેખા 32.5° ઉત્તર અક્ષાંશથી લઈને ગુરદાસપુર, ચંડીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા, નળિયા અને 23° ઉત્તર અક્ષાંશ સુધી હોવાનું જણાવ્યું છે. એટલે ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધી રહી છે. હવામાન વિભાગના માપદંડ મુજબ સતત પાંચ દિવસ વરસાદી પ્રવૃત્તિનો અભાવ, ભેજમાં ઘટાડો અને પવનની દિશામાં ફેરફાર વિદાયના મહત્વના સંકેત છે.
બીજી તરફ રાજકોટમાં પણ રાત્રીના તાપમાનમાં ઘટાડો યથાવત્ છે. ગઈકાલે લઘુતમ 23.4 ડિગ્રી અને મહત્તમ 34 ડિગ્રી નોંધાયા બાદ આજે વહેલી સવારે લઘુતમ તાપમાન ઘટીને 23.2 ડિગ્રી, હવામાં ભેજ 77 ટકા અને સરેરાશ પવનની ઝડપ 8 કિ.મી. નોંધાતા સવારના સમયે હળવી ઠંડકનો અનુભવ થયો હતો.