મવડીના 80 ફૂટ રોડ નજીક રોડની સાઈડમાં ઉભેલા સ્કૂટરને પાછળથી આવેલી ક્રેઈને ઠોકર મારતા યુવક રોડ પર પટકાયા હતા ક્રેઈનનું વ્હીલ માથા ઉપર ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઇ જતા ક્રેઈન ચાલક ક્રેઈન મૂકી નાશી છૂટ્યો હતો.
ઘટનાની જાણ 108 અને પોલીસને કરવામાં આવતા તાલુકા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના વાવડી રોડ પર મહમદી બાગ શેરી નંબર-6માં રહેતા આમદભાઈ સુમારભાઈ શેખ (ઉ.વ.39)ના આજે સવારે પોતાનું અરબનીયાં સ્કૂટર લઈને મવડી 80 ફૂટ રોડ પર ઉભા હતા ત્યારે પાછળથી આવતા ક્રેઈનના ચાલકે બેફિકરાઈ પૂર્વક ક્રેઈન હંકારી સ્કૂટરને ઠોકર ચડાવતા ચાલક રોડ પર પટકાયા હતા દરમિયાન ક્રેઈનનું વ્હીલ માથે ફરી વળતા માથું ફાટી જવાથી ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઇ જતા કોઈએ 108 અને પોલીસને જાણ કરી હતી. બનાવના પગલે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ સોલંકી સહિતના ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડ્યો હતો.
ડ્રિલિંગ મશીન રીપેરીંગનું કામ કરતા હતા., તેમના મોતથી ચાર દીકરીઓ પિતા વિહોણી બનતા પરિવારમાં માતમ છવાયો છે. પોલીસે ક્રેઈન ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.