BREAKING NEWS

જામનગરમાં પ્રથમ વખત વૈજ્ઞાનિક પદ્ધતિથી બર્ડ એટલાસ સર્વે કરાયો

  • September 28, 2026 01:53 PM 

જામનગરમાં પ્રથમ વખત વૈજ્ઞાનિક પદ્ધતિથી બર્ડ એટલાસ સર્વે કરાયો

બર્ડ કનઝર્વેશન સોસાયટી ગુજરાત સહિત શહેરની પ્રકૃતિપ્રેમી,જીવદયાપ્રેમી સંસ્થાઓનો સંયુક્ત પ્રયાસ

૬૨ જેટલા પક્ષીપ્રેમીઓએ શહેરી વિસ્તારમાં ૨૫ ગ્રીડમાં ફરીને તૈયાર કર્યો વૈજ્ઞાનિક ડેટાબેઝ

જામનગરમાં પ્રથમ વખત શહેરી વિસ્તારમાં પક્ષીઓની સંખ્યા, વિવિધતા અને ઋતુ પ્રમાણે તેમની હાજરીનો વૈજ્ઞાનિક ડેટાબેઝ તૈયાર કરવાના હેતુથી બર્ડ કનઝર્વેશન સોસાયટી ગુજરાત  તથા જામનગરની વિવિધ પ્રકૃતિપ્રેમી,જીવદયાપ્રેમી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી જામનગર બર્ડ એટલાસ કાર્યક્રમ યોજાયો હતો.

વઢવાણ મુકામે વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા બર્ડ એટલાસની જાહેરાત કરવામાં આવ્યા બાદ છેલ્લા ત્રણ મહિનાથી કરવામાં આવેલી મહેનત અને આયોજનના પરિણામે જામનગરમાં આ વૈજ્ઞાનિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

આ સર્વેમાં ૬૨ પક્ષીપ્રેમીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો, બર્ડ એટલાસના પ્રથમ તબક્કામાં કુલ ૬૨ પક્ષીપ્રેમીઓ, વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરો, પક્ષીવિદો, વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા આમંત્રિતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વહેલી સવારથી જ અલગ અલગ ટીમો દ્વારા જામનગર શહેરના વિવિધ નિર્ધારિત વિસ્તારોમાં ફરીને પક્ષીઓનું નિરીક્ષણ અને નોંધણી કરવામાં આવી હતી.

વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે હાથ ધરવા માટે જામનગર શહેરને કુલ ૨૫ ગ્રીડમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. દરેક ગ્રીડમાં બે સબસેલ અને દરેક સબસેલમાં ચાર ચેકલિસ્ટ મુજબ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આમ કુલ ૨૦૦ ચેકલિસ્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ચેકલિસ્ટના આધારે વિવિધ વિસ્તારોમાં જોવા મળતા પક્ષીઓની જાતિ, હાજરી અને અન્ય જરૂરી વિગતોનું વૈજ્ઞાનિક રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. જામનગર બર્ડ એટલાસનો સર્વે કુલ ત્રણ ફેસમાં યોજાનાર છે. જેમાં ચોમાસું, શિયાળો અને ઉનાળો એમ ત્રણેય ઋતુ દરમિયાન પક્ષીઓની હાજરીનો અભ્યાસ કરવામાં આવશે.

હાલમાં પ્રથમ ફેઝ તરીકે સપ્ટેમ્બર માસ દરમિયાન ચોમાસુ સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. આગામી તબક્કાઓમાં શિયાળા અને ઉનાળાની ઋતુ દરમિયાન પણ આ જ પ્રકારનો સર્વે હાથ ધરવામાં આવશે.

શહેરના આયોજન અને સંરક્ષણ માટે ઉપયોગી બનશે ડેટા,આ સર્વે દરમિયાન એકત્રિત કરવામાં આવેલ વૈજ્ઞાનિક માહિતી અને ડેટાબેઝનો ઉપયોગ આગામી સમયમાં જામનગર મહાનગરપાલિકા, વન વિભાગ, પર્યાવરણ અને સંરક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓ તેમજ અર્બન ટાઉન પ્લાનિંગ માટે કરવામાં આવશે.

આ સર્વે બાદ શહેરમાં કયા વિસ્તારોમાં કયા પ્રકારના પક્ષીઓ જોવા મળે છે, કયા પક્ષીઓ કાયમી વસવાટ કરે છે અને કયા પક્ષીઓ ઋતુ પ્રમાણે જામનગરમાં આવે છે, તેની વધુ વ્યવસ્થિત સમજ મેળવવામાં આ ડેટા મહત્વપૂર્ણ બની રહેશે.

સામાન્ય નાગરિકોમાં પક્ષીઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો પણ ઉદ્દેશ,જામનગર બર્ડ એટલાસનો મુખ્ય ઉદ્દેશ માત્ર વૈજ્ઞાનિક ડેટા તૈયાર કરવાનો જ નહીં પરંતુ સામાન્ય શહેરીજનોને પણ પોતાના રહેણાક વિસ્તાર અને આસપાસ જોવા મળતા પક્ષીઓ અંગે માહિતી મળે અને પક્ષીઓ તથા પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ વધે તેવો પણ છે.

જામનગરમાં પ્રથમ વખત યોજાયેલા આ પ્રકારના વૈજ્ઞાનિક સર્વેને શહેરના પક્ષીપ્રેમીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે. આગામી બંને ઋતુના સર્વે પૂર્ણ થયા બાદ જામનગર શહેરનો વધુ વ્યાપક બર્ડ એટલાસ ડેટાબેઝ તૈયાર થશે તેવું આયોજકોએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application