BREAKING NEWS

દ્વારકા: શિવરાજપુરમાં ભાદરવી પૂનમે મલ્લ કુસ્તીનો જામ્યો જંગ

  • September 28, 2026 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: શિવરાજપુરમાં ભાદરવી પૂનમે મલ્લ કુસ્તીનો જામ્યો જંગ

ઓખામંડળ-બારાડી-બરડા પંથકના ૩૦૦થી વધુ પહેલવાનો જોડાયા
 
દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામે ભાદરવી પૂનમના પાવન પર્વે પરંપરાગત મલ કુસ્તીનો મેળો યોજાયો હતો. હજરત જાકૂપીર દાદાની દરગાહ ખાતે યોજાતા આ મેળાને ચાર સદીથી વધુ સમયથી ચાલતી પરંપરા હોવાનું આયોજકો જણાવી રહ્યા છે.
મલ કુસ્તીના અખાડામાં ઓખામંડળ, બારાડી અને બરડા પંથકમાંથી ૩૦૦થી વધુ કુસ્તીબાજોએ ભાગ લીધો હતો. મેદાનમાં સામસામે ઉતરેલા પહેલવાનોએ તાકાત, ચપળતા અને કુસ્તીની વિવિધ ટેકનિકનો પરચો બતાવી હરીફને પછાડવા માટે દાવપેચ અજમાવ્યા હતા. પહેલવાનો વચ્ચેના રોમાંચક મુકાબલાને નિહાળવા માટે આસપાસના ગામો સહિત દૂરના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

શિવરાજપુરનો આ મલ કુસ્તી મેળો માત્ર કુસ્તીની સ્પર્ધા પૂરતો સીમિત નથી. સદીઓ જૂની આ પરંપરામાં શારીરિક કસરત, શિસ્ત, સંયમ અને તંદુરસ્ત જીવનશૈલીનો સંદેશ પણ છુપાયેલો છે. પરંપરાગત માન્યતા મુજબ પ્રાચીન સમયમાં મલ્લવિદ્યાને રાજાશ્રય મળતો હતો અને કુસ્તીમાં નિપુણ યુવાનોને સૈન્ય સહિતની મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવતી હતી.

આજના મોબાઈલ અને ઓનલાઈન ગેમ્સના યુગમાં યુવાનો મેદાન અને કસરત તરફ વળે તે હેતુથી પણ આ પરંપરાને જાળવી રાખવામાં આવી રહી છે. હજરત જાકૂપીર દાદાની દરગાહ ખાતે યોજાતા આ મેળામાં વિવિધ સમાજ અને પંથકના લોકો એકત્ર થતાં ભાઈચારા અને સામાજિક એકતાની ભાવના પણ જોવા મળે છે.

આમ, ભાદરવી પૂનમે શિવરાજપુરમાં યોજાયેલો મલ કુસ્તી મેળો સદીઓ જૂની પરંપરાને જીવંત રાખવાની સાથે નવી પેઢીને શારીરિક કસરત અને મેદાની રમત તરફ વળવાનો સંદેશ આપી ગયો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application