બોટલ અને વોલપેપરની આડમાં અનઅધિકૃત રીતે મંગાવેલા ફટાકડાનો જથ્થો ડીઆઇઆરની ટીમે જપ્ત કર્યો
ક્નટેનરમાંથી ૧૦૦૦૦ કીલો ફટાકડા મળી આવ્યા: કલીયરીંગ એજન્ટની ધરપકડ કરી વેપારીઓ સામે તપાસ
જામનગર સહીત ૩ વેપારીએ મંગાવેલા પ્રતિબંધિત રૂ.૩ કરોડના ચાઇનીઝ ફટાકડાનો પર્દાફાશ ડીઆઇઆરની ટીમે કર્યો છે. ક્નટેનરમાં બોટલ અને વોલપેપરની આડમાં અનઅધિકૃત રીતે મંગાવેલા ૧૦૦૦૦ કીલો ફટાકડા ડીઆઇઆરે જપ્ત કરી કલીયરીંગ એજન્ટની ધરપકડ કરી વેપારીઓ સામે તપાસ હાથ ધરી છે.
તાજેતરમાં મુંબઇના ન્હાવાશેવા એરપોર્ટ પર ડીઆરઆઇએ સ્પેરપાર્ટસના ક્નટેનર અટકાવી આફ્રીકામાં નિકાસ થયેલા રૂ.૧૬૮ કરોડના મશીનમાં કરોડોની ટેકસચોરીનું મસમોટા કૌંભાડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં જામનગરની પાંચ પેઢીની સંડોવણી ખૂલી હતી. આ કૌંભાડની તપાસ હજુ ચાલી રહી છે ત્યાં મુંબઇના ન્હાવશોવા પોર્ટ પરથી ડીઆઇઆરની ટીમે પ્રતિબંધિત ચાાઇનીઝ ફટાકડા અનઅધિકૃત રીતે મંગાવવાનું કૌંભાડ પકડી પાડતા અને તેમાં જામનગરના વેપારીની સંડોવણી ખૂલતા ભારે ચકચાર જાગી છે. મળતી વિગત અનુસાર ચાઇનીઝ ફટાકડા અત્યંત જોખમી હોય આયાત પર પ્રતિબંધ છે. આમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા વધુ નાણાં કમાવવાની લ્હાયમાં ચાઇનાથી ગેરકાયદે રીતે ફટાકડાની આયાત કરવામાં આવી રહી છે. ત્યારે ડીઆરઆઇએ પ્રતિબંધિત ચાઇનીઝ ફટાકડાનો મસમોટો જથ્થો મુંબઇ ન્હાવાશોવા પોર્ટ પરથી પકડી ૫ાડયો છે. રાજકોટ, જામનગર અને ધોરાજીના વેપારીએ મુંબઇમાં કાર્યરત ચાઇનીઝ ફટાકડાની આયાત કરતી ગેંગનો સંપર્ક કરી રૂ.૩ કરોડના ફટાકડાનો ઓર્ડર આપ્યો હતો. આથી ગેંગ દ્વારા ચાઇનાથી બોટલ અને વોલપેપર ક્નટેનરમાં આ જથ્થો સંતાડીને લાવવામાં આવ્યો હતો. પરંતુ મુંબઇ ડીઆરઆઇની ટીમે બાતમીના આધારે ૪૦ ફુટનું ક્નટેનર અટકાવ્યું હતું. ત્યારબાદ સીએફએસમાં લઇ તપાસ કરવામાં આવતા તેમાંથી ૧૦૦૦૦ કીલો ચાઇનીઝ ફટાકડા કિંમત રૂ.૩ કરોડનો જથ્થો મળી આવતા જપ્ત કર્યા હતાં. આટલું જ નહીં કલીયરીંગ એજન્ટની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. આ ફટકાડાનો જથ્થો રાજકોટના અશોક હરીલાલ મુસાણી, જામનગરના દિવ્યકાંત ચોથાણી અને ધોરાજીના મનીષ ફુલહારી નામના વેપારીએ ઓર્ડર આપી મંગાવ્યાનું ડીઆરઆઇની તપાસમાં ખૂલતા તમામ વેપારી સામે તપાસ હાથ ધરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, ક્નટેનરની આગળની ત્રણ હરોળમાં કસ્ટમના અધિકારીઓને કોઇ શંકા ન જાય તે માટે ડીકલેર બોટલ અને વોલપેપરનો જથ્થો ગોઠવવામાં આવ્યો હતો. જયારે પાછળના ભાગે ચાઇનીઝ ફટાકડા રાખવામાં આવ્યા હતાં. આટલું જ નહીં હજુ પણ ચાઇનીઝ ફટાકડાના ક્નટેનર પાઇપલાઇનમાં હોવાનું પણ જાણવા મળતા ડીઆરઆઇએ વોચ વધારી છે.