BREAKING NEWS

જામનગર: કાલાવડના રામપર સોલાર પ્લાન્ટમાં થયેલ મારામારીમાં મુખ્ય સુત્રધાર જેલ હવાલે

  • September 30, 2026 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કાલાવડના રામપર સોલાર પ્લાન્ટમાં થયેલ મારામારીમાં મુખ્ય સુત્રધાર જેલ હવાલે 

હુમલાની ઘટનામાં અગાઉ નવ આરોપીઓની ધરપકડ બાદ કાવતરાખોર ગોકુલ માળીયા અંતે પકડાયો

કાલાવડ તાલુકાના રામપર ગામ પાસે સોલાર પ્લાન્ટમાં થયેલ હુમલાની ઘટનામાં અગાઉ નવ આરોપીઓની ધરપકડ કર્યા બાદ આ પ્રકરણમાં મુખ્ય આરોપી કાવતરાના મુખ્ય સુત્રધાર એવા ગોકુલ માળીયાની પોલીસ દ્વારા ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે તે વખતે હુમલાની આ ઘટના સામે આવતા ભારે ચકચાર મચી હતી. બે શખ્સ સામે નામ જોગ ફરીયાદ બાદ પોલીસની જીણવટભરી તપાસમાં નામો ખુલ્યા હતા અને એક પછી એક તમામ આરોપીઓની ધરપકડ કરીને જેલહવાલે કરવામાં આવ્યા છે.
​​​​​​​
જામનગરના વાસાવીરા સોસાયટી ખાતે રહેતા અને ઓપેરા કંપનીમાં સાઇટ મેનેજર રાજેશભાઇ ઉર્ફે રાજુ મેપાભાઇ બરડીયાવદરા (ઉ.વ.૪૬) તથા તેમના મોટાભાઇ સાહેદ રાયદેભાઇ તેમજ સાહેદ નથુભાઇ ગાગલીયા ત્રણેય ગત તા. ૧૮-૮-૨૬ના કાલાવડના રામપર ગામ પાસે આવેલ ઓપેરાના સોલાર પ્લાન્ટ ખાતે ઝાડ નીચે બેઠા હતા ત્યારે આરોપીઓ બાઇકમાં હથિયારો ધારણ કરી કાવતરુ રચી સમાન ઇરાદો પાર પાડવા ઘસી આવ્યા હતા. ફરીયાદીને અપશબ્દો કહી પાઇપ વડે હુમલો કર્યો હતો તેમજ ફ્રેકચર જેવી ઇજા કરી હતી ઉપરાંત રાયદેભાઇ અને નથુભાઇ વચ્ચે આવતા આરોપીઓ દ્વારા તેઓને પણ માર મારવામાં આવ્યો હતો અને બસીર અને ઇકબાલે જતા જતા હવે પછી જો કામ ચાલુ કર્યુ છે તો એકેયને જીવતા નહી રહેવા દઇએ તેમ કહીને ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને બાઇક લઇને જતા રહયા હતા બાદમાં ફરીયાદી તથા રાયદેભાઇને ખાનગી વાહનમાં જામનગર લઇને આવેલ અને ૧૦૮ ભેગી થઇ જતા જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે પહોચ્યા હતા જયાં ફ્રેકચર સહિતની ઇજા હોવાનું જાણમાં આવતા સારવાર લેવામાં આવી હતી. આ અંગે રાજુભાઇ દ્વારા લાલપુરના ચોરબેડી ગામના બશીર હબીબ સમા, ગલપાદર ગામના ઇકબાલ થૈયમ અને અજાણ્યા આઠ ઇસમો વિરુઘ્ધ બીએનએસ કલમ ૧૦૯(૧), ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૮૯(૨)(૩), ૧૯૦, ૧૯૧(૧)(૩) ૩૫૧(૨)(૩)(૪), ૩૫૨, ૬૧ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી. જે તે વખતે આ બનાવે કાલાવડ પંથકમાં ભારે ચકચાર જગાવી હતી.

દરમ્યાનમાં ઉપરોકત બનાવ સબંધે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થતા પોલીસે ગુનો નોંધી ત્વરીત તપાસ કાર્યવાહી કરી તેમા સામેલ કુલ નવ આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા આ ઘટનાના મુખ્ય આરોપી અને મુખ્ય કાવતરાખોર એવા ગોકુલ કાળા માળીયા જે તે વખતે ફરાર થઇ ગયેલ હોય દરમ્યાનમાં પોલીસ દ્વારા તેમની તાજેતરમાં ધરપકડ કરી હતી. મુખ્ય સુત્રધાર ગોકુલને કોર્ટમાં રજુ કરતા જેલહવાલે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો આ ઘટનામાં સામેલ દસ આરોપીઓ જેલ ભેગા થઇ ચુકયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application