જામનગરમાં મહિલા અને સગીરાને અડપલા કર્યાની વકીલ સામે ફરિયાદ
જામનગરમાં મહિલા અને સગીરાને અડપલા કર્યાની વકીલ સામે ફરિયાદ
October 01, 2026 04:09 PM
જામનગરમાં મહિલા અને સગીરાને અડપલા કર્યાની વકીલ સામે ફરિયાદ
અઘટીત માંગણી કરી મારી નાખવાની ધમકી દીધાનો આક્ષેપ : સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ
જામનગર શહેરમાં એક મહિલા અને સગીરાને અડપલા કરી ધાક ધમકીઓ આપ્યાની શહેરના એક એડવોકેટ સામે ફરીયાદ નોંધાવવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આરોપી મહિલાના ઘરે પહોચી તેણીનો હાથ પકડી અશોભનીય સ્પર્શ કરી શારીરિક સંબંધની માંગણી કરી હતી. આ દરમિયાન ત્યાં આવેલી ૧૩ વર્ષની સગીરા સાથે પણ અડપલાં કર્યાનો આક્ષેપ ફરીયાદમાં થયો છે. આ ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં જામનગરના વતની અને વ્યવસાયે વકીલ એવા મીતુલ દીનેશભાઈ હરવરા ફરિયાદી મહિલાના ઘરે પહોંચ્યા હતા. ઘરમાં અન્ય સભ્યની ગેરહાજરી દરમિયાન તેમણે ફરિયાદી મહિલાનો હાથ પકડી અશોભનીય સ્પર્શ કર્યો હતો અને શારીરિક સંબંધની માંગણી કરી હતી.
આ દરમિયાન ૧૩ વર્ષની સગીરા ત્યાં આવી પહોંચતાં આરોપીએ તેની સાથે પણ હાથ પકડી અડપલાં કર્યાનો તથા શારીરિક સંબંધની માંગણી કર્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિલાએ આરોપીના વર્તનનો વિરોધ કરતાં આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
મહિલા અને સગીરા સાથે બનેલી આ ઘટનાને પગલે પરિવારજનો દ્વારા સમગ્ર મામલે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે મીતુલ દીનેશભાઈ હરવરા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૪, ૭૫(૨) અને ૩૫૧(૩) તેમજ પોક્સો અધિનિયમની કલમ ૮ અને ૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવે શહેરમાં ભારે ચકચાર જગાવી છે.