જામનગર: ફેસબુકની કોમેન્ટમાં અનુસૂચિત જાતિ અંગે અપમાનજનક શબ્દો લખ્યાની ફરિયાદ
જામનગર: ફેસબુકની કોમેન્ટમાં અનુસૂચિત જાતિ અંગે અપમાનજનક શબ્દો લખ્યાની ફરિયાદ
October 01, 2026 04:14 PM
જામનગર: ફેસબુકની કોમેન્ટમાં અનુસૂચિત જાતિ અંગે અપમાનજનક શબ્દો લખ્યાની ફરિયાદ
સોશિયલ મીડિયા પર મુકવામાં આવેલા એક વિડિયોની કોમેન્ટમાં અનુસૂચિત જાતિ સમાજ અંગે કથિત રીતે જાતિસૂચક અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાના મામલે જામનગરના યુવાન દ્વારા જુનાગઢના એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ તથા માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના ફુલીયા હનુમાન મંદિર નજીક ગણેશવાસમાં રહેતા ફરિયાદી ચેતનકુમાર વિજયભાઈ ભાંભી, ઉંમર ૨૮ વર્ષના જણાવ્યા મુજબ, તેઓ સામાજિક કાર્ય સાથે સંકળાયેલા છે અને ફેસબુક પર પોતાનું ખાતું ચલાવે છે. તા. ૨૮ઓગસ્ટના રોજ રાત્રે ફેસબુક જોઈ રહ્યા હતા ત્યારે તેમના ફેસબુક મિત્ર દ્વારા મૂકવામાં આવેલ એક વિડિયો તેમની નજરે પડ્યો હતો. ફરિયાદ મુજબ, આ વિડિયો પર સંજય નિમાવત નામના ફેસબુક આઇડીધારક (જુનાગઢ) ખાતા પરથી અનુસૂચિત જાતિ સમાજ અંગે કથિત રીતે જાતિસૂચક તથા અપમાનજનક શબ્દોવાળી કોમેન્ટ કરવામાં આવી હતી. ફરિયાદીએ આ કોમેન્ટથી અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાઈ હોવાનું જણાવી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. કોમેન્ટનો સ્ક્રીન શોટ પુરાવા તરીકે આપ્યો હતો આ મામલે ડીવાયએસપીને તપાસ સોપવામાં આવી છે.