BREAKING NEWS

ખંભાળીયા: મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ તાત્કાલિક દુષ્કાળ જાહેર કરો

  • September 28, 2026 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા: મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ તાત્કાલિક દુષ્કાળ જાહેર કરો

ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, આંદોલનની ચીમકી

ગુજરાતમાં વરસાદ અસમતુલાને કારણે મગફળી સહિતના પાકને થયેલા વ્યાપક નુકસાન સંદર્ભે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રાજ્યમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો અંગે નિર્ણય લઈને ખેડૂતોને રાહત આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, ત્યારે ગુજરાત સરકાર ક્યારે નિર્ણય લેશે તેવો સવાલ ખેડૂતો પૂછી રહ્યા છે. 

જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં પાક નિષ્ફળ જવાથી ખેડૂતોની મહેનત અને મૂડી બંને જોખમમાં મુકાઈ ગયા છે. સરકારે કોઈપણ રાજકીય વિલંબ કર્યા વિના વાસ્તવિક પરિસ્થિતિના આધારે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરી દુષ્કાળ જાહેર કરવો જોઈએ. તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે ખેતીની કટોકટીની સીધી અસર ખેતમજૂરો, ભાગિયાઓ અને ગ્રામીણ શ્રમિકોની રોજીરોટી પર પડી રહી છે. આથી સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીનો ઝડપી સર્વે કરાવી યોગ્ય આર્થિક સહાય અને રાહત પેકેજ જાહેર કરે. 

આ ઉપરાંત પશુધન માટે પૂરતો ઘાસચારો, પીવાનું પાણી અને શ્રમિકો માટે તાત્કાલિક રાહત કાર્યો શરૂ કરવામાં આવે તેમજ ખેડૂતોની સહાય અરજીઓનો ઝડપથી નિકાલ થાય તેવી માંગ કરવામાં આવી છે. આ મુદ્દે નિર્ણય લેવામાં જેટલો વિલંબ થશે તેટલી ખેડૂતોની મુશ્કેલી વધશે તેમ જણાવતાં તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર ખેડૂતો અને પશુપાલકોના હિતમાં તાત્કાલિક પગલાં નહીં ભરે, તો આમ આદમી પાર્ટી લોકશાહી ઢબે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application