કાલાવડના નિકાવા ગામે ખારા ડેમમાં સૌની યોજનાનું પાણી છોડવા માંગ
કાલાવડ: કાલાવડ તાલુકાના નિકાવા ગામે સિંચાઈ તેમજ ઘરવપરાશ અને પશુઓ માટે પાણીની ગંભીર સમસ્યા સર્જાતા ખેડૂતો એકઠા થયા હતા. નિકાવા ગામ નજીક આવેલો ખારાનો ડેમ છેલ્લા બે વર્ષથી અપૂરતા વરસાદી પાણીના અભાવે ખાલી પડ્યો હોવાથી આસપાસના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોનું કહેવું છે કે જો ખારાના ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી તાત્કાલિક પહોંચાડવામાં આવે તો અનેક ખેડૂતોને રાહત મળી શકે તેમ છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલ ખેતરોમાં ઉભેલો પાક પાણીના અભાવે બગડવાની કગાર પર છે. વરસાદ ખેંચાતા ખેતી માટે જરૂરી સિંચાઈનું પાણી ઉપલબ્ધ નથી. પાકને પાણી આપવાની વાત તો દૂર રહી, પશુધન માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની રહી છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક નુકસાનનો મોટો ફટકો પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
ખેડૂતોની રજૂઆત છે કે છેલ્લા બે વર્ષથી ખારાના ડેમમાં એક ટીંપું પાણી ન હોવાના કારણે નિકાવા સહિત આસપાસના વિસ્તારની ખેતી પર સીધી અસર પડી રહી છે. અનેક ખેડૂતોએ ખેતી પાછળ મોટો ખર્ચ કર્યો છે, પરંતુ પાણીના અભાવે જો પાક નિષ્ફળ જશે તો ખેડૂતો પર દેવાનો બોજ વધવાની શક્યતા છે. તેથી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.
ખેડૂતોએ સરકાર સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે સૌની યોજના મારફતે નિકાવા ખારાના ડેમમાં તાત્કાલિક પાણી ભરવામાં આવે, જેથી ખેડૂતોને ઉભા પાકને બચાવવા માટે સિંચાઈનું પાણી મળી શકે અને પશુધન માટે પણ પાણીની સુવિધા ઊભી થઈ શકે. સાથે જ વિસ્તારની વાસ્તવિક સ્થિતિનો તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે અને જરૂરી સરકારી સહાય તથા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર પાણીની વ્યવસ્થા નહીં થાય તો આગામી દિવસોમાં ખેતી અને પશુપાલન બંને ક્ષેત્રે ગંભીર મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી સરકાર દ્વારા તાત્કાલિક દુષ્કાળ જેવી સ્થિતિ અંગે જરી નિર્ણય લઈ ખેડૂતોને રાહત, સહાય અને વળતર આપવા તેમજ સૌની યોજનાનું પાણી ખારાના ડેમમાં પહોંચાડવા માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી ધારદાર રજૂઆત કરવામાં આવી છે.
નિકાવાના ખેડૂતોની આ રજૂઆત હવે સરકાર અને સંબંધિત વિભાગ સુધી પહોંચે અને વહેલી તકે હકારાત્મક કાર્યવાહી થાય તેવી આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.