જામનગર: જોડિયા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની માંગ
જામનગર: જોડિયા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની માંગ
September 28, 2026 12:30 PM
જામનગર: જોડિયા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની માંગ
પાક નુકશાનીનું વળતર ચૂકવવા સરકાર સમક્ષ પ્રબળ રજૂઆત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ચાલુ વર્ષે વરસાદની ભારે અછત સર્જાતા ખેતીની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અપૂરતા વરસાદના કારણે ખેતી સંપૂર્ણપણે ભાંગી પડી છે અને જગતનો તાત આર્થિક સંકટમાં ઘેરાઈ ગયો છે. ખેડૂતોની મુશ્કેલીઓ હવે ચરમસીમાએ પહોંચી હોવાથી સમગ્ર જોડિયા તાલુકાને વહેલી તકે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ઉગ્ર માંગ ઉઠી રહી છે.
ગુજરાત રાજ્યને દેશભરમાં વિકાસનું એક રોલ મોડેલ ગણવામાં આવે છે, પરંતુ હાલ આપદાના સમયે ખેડૂતોને રાહત પૂરી પાડવાના મામલે આપણું રાજ્ય પડોશી રાજ્ય મહારાષ્ટ્ર કરતાં પણ પાછળ રહી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક ખેડૂતોએ સરકારની નીતિ સામે રોષ અને વિરોધ દર્શાવતાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે, જો મહારાષ્ટ્રમાં વરસાદની અછત વચ્ચે ત્વરિત કામગીરી કરીને અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી શકાતા હોય, તો ગુજરાતમાં આવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે? જો ગુજરાત દેશનું મોડેલ સ્ટેટ હોય તો દુષ્કાળ રાહતમાં અન્ય રાજ્યો કરતાં પાછળ શા માટે રહેવું જોઈએ?
વરસાદના અભાવે સમગ્ર તાલુકામાં ખેતી પર ગંભીર અસર જોવા મળી રહી છે અને ખેડૂતોની પરિસ્થિતિ દિન-પ્રતિદિન વધુ કફોડી બની રહી છે. ખેડૂતોની મુખ્ય માંગણી છે કે સરકાર દ્વારા વહેલી તકે વરસાદની અછત અને ખેતીની વાસ્તવિક ગ્રાઉન્ડ સ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે. સાથોસાથ જોડિયા તાલુકાને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી, ખેડૂતોને જરૂરી સહાય, પાક નુકસાનીનું વળતર અને વિશેષ રાહત પેકેજ ચૂકવવામાં આવે. હાલ સમગ્ર તાલુકાના ખેડૂતો સરકાર તરફથી વહેલી તકે કોઈ હકારાત્મક અને સાનુકૂળ નિર્ણય લેવાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.