BREAKING NEWS

જામનગર: મહિલા સશક્તિકરણ અને વોકલ ફોર લોકલના જીવંત સંગમ સમા સરસ મેળાનો ભવ્ય પ્રારંભ

  • September 26, 2026 12:14 PM 

જામનગર: મહિલા સશક્તિકરણ અને વોકલ ફોર લોકલના જીવંત સંગમ સમા સરસ મેળાનો ભવ્ય પ્રારંભ

જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તેે ખુલ્લો મુકાયો: મહિલા ઉદ્યોગસાહસિકોના વિવિધ ઉત્પાદનો મુખ્ય આકર્ષણઆજકાલ કાર્યાલય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ૨૫ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન સરસ મેળોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે જામનગર ખાતે પણ જિલ્લા કક્ષાના સરસ મેળો-૨૦૨૬નો ભવ્ય પ્રારંભ થયો છે. જે.એમ.સી. ગ્રાઉન્ડ, મહાવીર પાર્ક, ઓસવાળ-૩, જામનગર ખાતે યોજાયેલા આ મેળાનું વિધિવત ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ  રંજનબેન જીવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય  દિવ્યેશ અકબરી, જિલ્લા કલેક્ટર  પી.બી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી  નિશા તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વિરલ માકડીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

તા. ૨૫/૦૯/૨૦૨૬ થી તા. ૩૦/૦૯/૨૦૨૬ દરમિયાન દરરોજ સવારે ૧૦:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લા રહેનારા આ મેળામાં જિલ્લાના પાયાના સ્તરેથી પરિવર્તન લાવી રહેલી મહિલા ઉદ્યોગસાહસિકો, લખપતિ દીદીઓ, સ્વસહાય જૂથો, મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા પોતાના વિશિષ્ટ ઉત્પાદનો અને ઇનોવેશન્સનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે.

આ મેળામાં મહિલાઓ દ્વારા સ્વહસ્તે તૈયાર કરાયેલી પ્રસિદ્ધ જામનગરી બાંધણી, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, ઇમિટેશન જ્વેલરી, આયુર્વેદિક અને હર્બલ પ્રોડક્ટ્સ, ઓર્ગેનિક વસ્તુઓ, અગરબત્તી, પેચવર્ક, ડ્રેસ મટીરિયલ તથા ઘર સુશોભનની અવનવી ચીજવસ્તુઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ઉપરાંત, સ્વાદિષ્ટ હોમમેઇડ ફૂડ પ્રોડક્ટ્સ જેવી કે અથાણાં, પાપડ અને ખાખરા જેવી ગૃહઉદ્યોગની વાનગીઓ પણ મોટી સંખ્યામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મહિલાઓના આર્થિક સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન અને સ્વદેશી મૂલ્યોને પ્રોત્સાહન આપતો આ મેળો જામનગર જિલ્લાની આર્થિક ભાગીદારીને વેગ આપવાની સાથે હજારો મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની નવી પ્રેરણા પૂરી પાડશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગરની ધર્મપ્રેમી અને ઉત્સાહી જનતાને આ સરસ મેળાની મુલાકાત લઈ મહિલા શક્તિના કૌશલ્યને બિરદાવવા અને ’વોકલ ફોર લોકલ’ના સંકલ્પને ચરિતાર્થ કરવા ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

પ્રસિદ્ધ અભિનેત્રી રિવા રાચ્છે સરસ મેળામાંથી ખરીદી કરી વોકલ ફોર લોકલના મંત્રને ચરિતાર્થ કર્યોે મહિલા ઉદ્યોગસાહસિકોના કૌશલ્યને બિરદાવી નાગરિકોને વધુમાં વધુ ખરીદી કરી સ્વસહાય જૂથોને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો.

ગુજરાતી સિનેમાની ચર્ચિત અને પ્રખ્યાત ફિલ્મ લાલોની લોકપ્રિય અભિનેત્રી રિવા રાચ્છે ’સરસ મેળા’ની ખાસ મુલાકાત લીધી હતી. મેળાની મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક મહિલાઓ, લખપતિ દીદીઓ અને સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ્સ નિહાળીને ઉત્સાહભેર ખરીદી કરી હતી.

અભિનેત્રી મહિલા શક્તિ દ્વારા નિર્મિત હસ્તકળા અને ગૃહઉદ્યોગની અનન્ય પ્રોડક્ટ્સના વખાણ કરતા ઉપસ્થિત સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે અપીલ કરતા જણાવ્યું હતું કે, વધુમાં વધુ લોકો આ સરસ મેળાની મુલાકાત લે અને સ્થાનિક મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓની ખરીદી કરીને તેમના આર્થિક સશક્તિકરણમાં ભાગીદાર બને. આ પ્રકારના આયોજનોથી પાયાના સ્તરે કામ કરતી મહિલા સાહસિકોને યોગ્ય મંચ મળે છે અને તેમની મહેનતને સાચું પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application