BREAKING NEWS

ઘર ખર્ચ- બાળકોની સ્કૂલ ફી માટે પૈસા માગતા પતિએ ઝઘડો કરી મારમાર્યો

  • September 19, 2026 10:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જેતપુરમાં રહેતી અને પ્રેમલગ્ન કરનાર પરિણીતાએ પતિ અને નણંદ સામે શારીરિક- માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પતિ પાસે ઘરખર્ચ અને બાળકોની સ્કૂલ ફીના પૈસા માંગતા તેણે પત્નીને ઢીકાપાટુનો મારમાર્યો હતો.જેતપુરમાં વડલી ચોક પાસે ગોંદરા વિસ્તારમાં રહેતા ગૌરીબેન (ઉ.વ.37) નામના પરિણીતાએ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ રાજેશ ઉર્ફે રાજુ નાનજીભાઈ વાઘેલા અને નણંદ સોનલબેન નાનજીભાઇ વાઘેલા (રહે. બંને ભાદરના સામાકાંઠે, દેરડી રોડ, જેતપુર) ના નામ આપ્યા છે.પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં પિતાના મકાનમાં સંતાનો સાથે રહે છે તેમને સંતાનમાં બે દીકરી છે. તા. 4/3/2008 ના રોજ તેણે રાજેશ ઉર્ફે રાજુ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ પરિણીતા પતિ તથા સાસુ-સસરા સાથે રહેતી હતી બે વર્ષ જેટલો સંયુક્ત કુટુંબમાં રહ્યા બાદ પતિ પત્ની અલગ રહેવા જતા રહ્યા હતા. લગ્નના આઠેક વર્ષ સુધી પતિએ સારી રીતે રાખ્યા બાદ પતિ અવારનવાર ઘરકામ બાબતે નાની-નાની વાતમાં ઝઘડો કરી ગાળો આપી મારકુટ કરી ત્રાસ આપતો હતો. પરંતુ પરિણીતાએ પ્રેમલગ્ન કર્યા હોય ઘર સંસાર ચલાવવો હોય જેથી સહન કરતી હતી. પતિ રાજેશ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતા હોય તેથી અંતે પરિણીતા તેમની બંને દીકરીઓ સાથે અહીં પિતાના ઘરે જતી રહી હતી. પરિણીતાના માતાનું 15 વર્ષ પૂર્વે અને પિતા ચાર વર્ષ પૂર્વે અવસાન થયું છે. મોટી બહેન રાજકોટ સાસરીયે છે.પરિણીતા પિતાના ઘરે રહેતી હતી ત્યાં પતિ પણ સાથે રહેવા આવતો હતો અને થોડાક દિવસોમાં ઝઘડો કરી જતો રહેતો હતો. પાંચેક મહિના પહેલા પરિણીતાએ પતિ પાસે ઘર ખર્ચ માટે તથા દીકરીના અભ્યાસની સ્કૂલ ફી માટે પૈસા માંગ્યા હતા જે બાબત નણંદ સોનલને માલુમ પડતાં તેણે પતિની ચઢામણી કરી હતી જેથી પતિએ પરિણીતાને ઢીકાપાટુનો મારમાર્યો હતો. જેથી અંતે પરિણીતાએ પતિ અને નણંદ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application