BREAKING NEWS

જામનગર જિલ્લા પંચાયત કચેરીની શૈક્ષણિક મુલાકાત લઈ વિવિધ કામગીરીથી માહિતગાર થતા બેડેશ્વર શાળા નં.૫૫ ના વિદ્યાર્થીઓ

  • October 01, 2026 04:21 PM 

જામનગર જિલ્લા પંચાયત કચેરીની શૈક્ષણિક મુલાકાત લઈ વિવિધ કામગીરીથી માહિતગાર થતા બેડેશ્વર શાળા નં.૫૫ ના વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓએ રસીકરણ, આંગણવાડીની કામગીરી, સરસ મેળાની મુલાકાત સહિત વિવિધ શાખાઓની મેળવી પ્રત્યક્ષ માહિતી

રાજ્ય સરકારના ‘બેક ટૂ સ્કૂલ’ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ વ્યવહારિક શિક્ષણ મળી રહે તેવા હેતુસર શહેરની બેડેશ્વર, ધરારનગર-૧ સ્થિત શાળા નંબર ૫૫ ના ધોરણ ૫ થી ૮ ના ૬૧ વિદ્યાર્થીઓ માટે જિલ્લા વિકાસ અધિકારીની કચેરી તેમજ જિલ્લા પંચાયત કેમ્પસની વિવિધ શાખાઓની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી નિશાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના સ્તર મુજબ સરળ સમજ મળી રહે તે માટે જિલ્લા પંચાયત હસ્તકના વેક્સીન સ્ટોર, મેડીસીન સ્ટોર, ICDS શાખા, જન્મ-મરણ શાખા, ગ્રામ-હાટ તેમજ સરસ મેળા સહિતની શાખાઓમાં મુલાકાત ગોઠવવામાં આવી હતી. મુલાકાત દરમિયાન વેક્સીન સ્ટોરમાં દિનેશ સાકરિયાએ બાળકોને વેક્સીન માટેની કોલ્ડ ચેઈન, નીચું તાપમાન રાખવાની જરૂરિયાત, વીજ પુરવઠો ખોરવાય ત્યારે રાખવાની અગમચેતી તેમજ વેક્સીન વાયલ મોનિટરના કલર પરથી તેની ગુણવત્તા અને એક્સપાયરી તારીખ ઓળખવાની પદ્ધતિ વિશે માહિતી આપી હતી.

મેડીસીન સ્ટોર્સના નવનીતભાઈએ શાળાઓમાં આપવામાં આવતી કૃમિનાશક દવા, લોહતત્વની ગોળીઓ અને વિટામિન 'એ' ના ટીપાંની અગત્યતા સમજાવી હતી. સાથોસાથ ઘરગથ્થુ સાવચેતીઓ અંગે પણ માહિતગાર કર્યા હતા.

જિલ્લા પંચાયતના કોન્ફરન્સ રૂમમાં ICDS વિભાગના કુંદનિકાબેન પટેલ દ્વારા આંગણવાડી બાળકો માટે કઈ રીતે મદદરૂપ થાય છે, પૂર્ણા શક્તિ યોજના, રસીકરણ મેળા અને સમતોલ આહાર વિશે રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમણે રજૂ કરેલ સ્વરચિત ‘અમે આંગણવાડીવાળા’ ગીતનું વિડીયો પ્રેઝન્ટેશન તેમજ આહાર વિષયક રમાડવામાં આવેલી રમતોથી બાળકો ખૂબ ઉત્સાહિત થયા હતા. આ ઉપરાંત, જન્મ-મરણ શાખાના કૈલાશ વૈષ્ણવ દ્વારા જન્મ અને મરણના દાખલાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતિમ ચરણમાં વિદ્યાર્થીઓએ અમ્યુઝમેન્ટ પાર્ક, શ્રીજી હોલ પાસે યોજાયેલ વિવિધ શહેરોના સખી મંડળોના ‘સરસ મેળા’ની મુલાકાત લઈ ખરીદી કરી હતી અને પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. આ મેળાની વ્યવસ્થા નવીનસિંઘ દ્વારા કરવામાં આવી હતી, જ્યાં બાળકોને વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ કન્સેપ્ટથી માહિતગાર કરાયા હતા. આ સમગ્ર શૈક્ષણિક મુલાકાત અને વિવિધ શાખાઓના સંકલનની કામગીરી સંજયભાઈ કાચા દ્વારા સફળતાપૂર્વક નિભાવવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓનું શિસ્ત અને શિક્ષકોનો ઉત્સાહ સરાહનીય રહ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ વિદ્યાર્થીઓને ખૂબ અભ્યાસ કરવા, મુશ્કેલીના સમયે શિક્ષકોનું માર્ગદર્શન મેળવવા અને તેમની સલાહને અનુસરવા પ્રેરક બોધ આપ્યો હતો. શાળાના શિક્ષકોએ સુંદર આયોજન બદલ જિલ્લા વિકાસ અધિકારી તથા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે વિદ્યાર્થીઓએ સ્વહસ્તે બનાવેલા 'થેંક્યુ કાર્ડ' અર્પણ કરી પોતાની લાગણી વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application