જામનગરના બ્રાસઉધોગ પર ખર્ચનું તોતીંગ દબાણ, સ્ક્રેપનો જીએસટી ૫ ટકા કરો
આક્રોશ-વ્યથા: ખરીદ-વેંચાણની સપ્લાય ચેઇનમાં અન્યત્ર ભૂલ માટે પાડાના વાંકે પખાલીને ડામની સ્થિતિના ઉકેલ માટે ઉધોગકારોની વડાપ્રધાન સમક્ષ ઘા
જીએસટી કાયદાની વિચિત્ર અને જટીલ જોગવાઇઓથી ૩.૫ લાખ લોકોને રોજગારી પૂરી પાડતા ૭૦૦૦ બ્રાસ એકમોને અસતિત્વ ટકાવવું મોટો પડકાર
જામનગરના બ્રાસપાર્ટના ઉધોગકારોએ જીએસટી કાયદાની અણધડ જોગવાઇઓ સામે ફેકટરી ઓનર્સ એસો., ચેમ્બર ઓફ કોમર્સ, જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના સંયુકત ઉપક્રમે ગઇકાલે સજ્જડ બંધ પાડી કલેકટર મારફત વડાપ્રધાનને આવેદન પાઠવી આક્રોશની સાથે વ્યથા વ્યકત કરી હતી. આવેદનમાં બ્રાસ ઉધોગ પર ખર્ચનું તોતીંગ દબાણ હોય સ્ક્રેપ પરની જીએસટી ઘટાડી ૫ ટકા કરવા અને ખરીદ-વેંચાણની સપ્લાય ચેઇનમાં અન્યત્ર ભૂલ માટે પાડાના વાંકે પખાલીને ડામની સ્થિતિના ઉકેલની માંગણી કરી છે.જીએસટી કાયદાની વિચિત્ર અને જટીલ જોગવાઇઓથી ૩.૫ લાખ લોકોને રોજગારી પૂરી પાડતા ૭૦૦૦ બ્રાસ એકમોને અસતિત્વ ટકાવવું મોટો પડકાર બન્યો હોય યુઘ્ધના ધોરણે નાણાં મંત્રાલય, સીબીઆઇસી, જીએસટી કાઉન્સીલ તથા સંબંધિત ફીલ્ડ ફોર્મેશન્સને યોગ્ય દીશાનિર્દેશ આપવા માંગણી કરી છે.
જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશને કલેકટર મારફત પ્રધાનમંત્રીને પાઠવેલા આવેદનમાં જણાવ્યાનુસાર એન્જીનીયરીંગ, ઇન્ફ્રાસ્ટ્રકચર, ડીફેન્સ, એવીએશન,ઓટોમોટીવ, ઇલેકટ્રીકલ, પ્લમ્બીંગ તથા અન્ય ઉધોગને સ્પેરપાર્ટસ પૂરા પાડતો બ્રાસઉધોગનો મુખ્ય આધાર કાચોમાલ છે. જે ૫ૈકી ૭૦ ટકા કાચોમાલ આયાત કરવામાં આવે છે જયારે ૩૦ ટકા સ્થાનિક સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે.આંતરરાષ્ટ્રીય ધાતુના ભાવ, વિનિમય દરમાં વધઘટ અને કરવેરાને કારણે બ્રાસઉધોગ ભારે ગંભીર ખર્ચના દબાણનો સામનો કરી રહ્યો છે. આ કટોકટીભરી સ્થિતિમાં જીએસટી કાયદાની વિચિત્ર અને જટીલ જોગવાઇથી બ્રાસઉધોગનું અસતિત્વ ટકાવવું એ આજના સમયનો સૌથી મોટો પડકાર બન્યો છે. આથી બ્રાસઉધોગ માટે માથાના દુ:ખાવાપ બનેલી જીએસટી સહીતની અન્ય સમસ્યા નિવારવા માટે ભારપૂર્વક રજૂઆતની સાથે માંગણી કરવામાં આવી છે.
જેમાં બ્રાસ સ્ક્રેપ પરનો જીએસટી દર ૧૮ ટકાથી ઘટાડી ૫ ટકા કરવા, ચોકકસ બ્રાસ સ્ક્રેપ વ્યવહારો માટે યોગ્ય રિવર્સ ચાર્જ મેકેનીઝમ રજૂ કરવા, મેટલ સ્ક્રેપ માટે વિશેષ ટીડીએસ આધારીત પાલન મેકેનીઝમની તપાસ કરવી જેમાં ડુપ્લીકેટ કરવેરા અને અનાવશ્યક કાર્યકારી મૂડી અવરોધ સામે સંપૂર્ણ રક્ષણ હોય,પ્રમાણીક ખરીદદારો માટે પ્રમાણીત ડયુ-ડીલીજન્સ માર્ગદર્શીકા નિર્ધારીત કરવી, નિર્ધારિત કાયદાકીય આવશ્યકતાઓનું પાલન કરનારા સાચા એમએસએમઇ ખરીદદારોનું રક્ષણ કરવું, સ્પષ્ટ કરવું કે સપ્લાયરનું પાછળની તારીખથી રજીસ્ટ્રેશન રદ થવાથી સાચા ભૂતકાળના વ્યવહારો માટે આઇટીસી આપમેળે નકારવામાં ન આવે, જયાં પ્રાપ્રતકર્તાની પ્રમાણીકતા સ્થાપિત થાય ત્યાં પ્રાથમિક વસૂલાત ડીફોલ્ટ કરનાર સપ્લાયર પાસેથી કરવામાં આવે તે નિર્દેશીત કરવું, ફીલ્ડ ફોર્મેશન્સ દ્વારા અસંગત કાર્યવાહી અટકાવવા માટે એકપ વહીવટી સૂચનાઓ જાહેર કરવી, ભૂતકાળના અને પેન્ડીંગ કેસોમાં યોગ્ય રાહત આપવી, જયાં સાચાર ખરીદદારથી અનેક તબકકા દૂર સપ્લાયર તરફથી થયેલા ડીફોલ્ટ, પાછળની તારીખથી રજીસ્ટ્રેશન રદ થવા અથવા કથીત ખામીને કારણે આઇટીસી માત્ર નકારવામાં આવી હોય, મેટલ સ્ક્રેપ અને બ્રાસ-કમ્પોનન્ટ ક્ષેત્રો માટે પાલનની આવશ્યકતાઓ ઘડતી વખતે જામનગર બ્રાસ કલસ્ટરની વિશેષ રચનાને માન્યતા આપવાનો સમાવેશ થાય છે.