BREAKING NEWS

જામનગર: કાલાવડના નિકાવા ગામનો ખારા ડેમ તળિયા ઝાટક

  • September 30, 2026 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કાલાવડના નિકાવા ગામનો ખારા ડેમ તળિયા ઝાટક

૧૫૦૦ ખેડૂતો અને ૨૦ હજારની વસ્તી માટે સૌની યોજનાનું પાણી છોડવા આપની ઉગ્ર માંગ

કાલાવડ તાલુકાના સૌથી મોટા ગામ નિકાવામાં આવેલો ખારા ડેમ હાલ સંપૂર્ણ ખાલીખમ થઈ જતાં ગ્રામજનો પીવાના પાણી અને ખેડૂતો સિંચાઈની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટીના કાલાવડ વિધાનસભા પ્રભારી ડો. કલ્પેશ મકવાણાએ ખારા ડેમની મુલાકાત લીધી હતી અને સરકાર સમક્ષ તાત્કાલિક ’સૌની યોજના’ અંતર્ગત ડેમમાં પાણી ઠાલવવાની માંગ કરી છે.

ડો. કલ્પેશ મકવાણાએ જણાવ્યું હતું કે, નિકાવા ગામ આશરે ૧૫ થી ૨૦ હજારની વસ્તી ધરાવે છે અને આસપાસના ૨૦ થી ૨૫ ગામોના લોકો અહીં વેપાર-રોજગાર માટે આવતા હોવાથી આ ગામ એક નાનકડા તાલુકા જેવડું મહત્વ ધરાવે છે. ગામ માટે હાર્દ સમાન આ ખારા ડેમમાં આખા પંથકની પાણીની જરૂરિયાત સંતોષવાની ક્ષમતા છે. ચાલુ વર્ષ નબળું ગયું હોવાથી પાણીની કટોકટી વધુ ઘેરી બની છે, છતાં છેલ્લા ચાર વર્ષથી સૌની યોજનાની મંજૂરી મળી હોવા છતાં તંત્રની ઢીલી નીતિને કારણે કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી છે અને જમીન પર કોઈ નક્કર પરિણામ દેખાતું નથી.

વધુમાં તેમણે શાસક પક્ષ અને વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, નિકાવામાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉચ્ચ પહોંચ ધરાવતા દિગ્ગજ નેતાઓ વસવાટ કરે છે, તેમ છતાં ગામ આજે પાણી માટે વલખાં મારી રહ્યું છે. આ નેતાઓ સરકાર પાસેથી કામ કરાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા છે. 

જો સરકાર કાગળ પરની પ્રક્રિયાઓ પૂર્ણ ગણીને તુરંત ખારા ડેમમાં પાણી છોડે, તો નિકાવા અને આસપાસના ૧૫૦૦ જેટલા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી શકે તેમ છે અને ૨૦ હજારની વસ્તીને પીવાના પાણીની મુશ્કેલીમાંથી કાયમી મુક્તિ મળી શકે તેમ છે. આથી સરકારી ઉદાસીનતા ખંખેરીને તાત્કાલિક ધોરણે ડેમ ભરવામાં આવે તેવી ગ્રામજનો અને ખેડૂતો વતી માંગણી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application