જામનગર: કામ બંધ’ને રસ્તો ચાલુ ક્યારે થશે..?: વાહનચાલકો હેરાન-પરેશાન
જી.જી. હોસ્પિટલ રોડ પર કામ પુરૂ થયાના ૪ દિવસ બાદ પણ ખાડો ન બુરાતા તંત્રની ઘોર બેદરકારી સામે જનઆક્રોશ
જામનગર શહેરના હૃદયસમા અને ચોવીસે કલાક વાહનોની ભારે અવરજવરથી ધમધમતા જી.જી. હોસ્પિટલ રોડ પર મહાનગરપાલિકાના તંત્રની ઘોર લાપરવાહી ફરી એકવાર છતી થઈ છે. અહીં કેટલાક દિવસો પૂર્વે તંત્ર દ્વારા ખોદકામ કરીને કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને પૂર્ણ થયે ચાર-ચાર દિવસ વીતી ગયા હોવા છતાં આજ દિન સુધી આ મોટો ખાડો પૂરવાની તસ્દી લેવામાં આવી નથી. એટલું જ નહીં, કામગીરી સાવ બંધ હોવા છતાં ’કામ ચાલુ છે’ ના બેરિકેડ્સ હજુ પણ રસ્તા વચ્ચે યથાવત રાખી માર્ગ અડધો બંધ રાખવામાં આવતા વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. તંત્રની આ કક્ષાની આળસ અને અણઆવડત સામે પ્રજાજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. અગાઉ પણ આજ પ્રકારે કામગીરી ચાલુ કરી અને ત્યારબાદ કામ સંપુર્ણ પુરુ થયા બાદ પણ તંત્ર દ્વારા ખાડો બુરવાની કામગીરી ઘણા દિવસો સુધી અટકાવવામાં આવી હતી. તેના કારણે અગાઉ પણ વાહનચાલકો હેરાન પરેશાન થયા હતા. તેવો જ દાખલો ફરી એક વખતે લોકો સમક્ષ આવ્યો છે.
સૌરાષ્ટ્રભરમાંથી ગંભીર દર્દીઓને લઈને આવતી સરકારી તેમજ ખાનગી એમ્બ્યુલન્સો માટે આ માર્ગ જીવાદોરી સમાન છે. આ ઉપરાંત આ મુખ્ય માર્ગ પર નામાંકિત શાળાઓ, કોલેજો અને ધમધમતા શોપિંગ સેન્ટરો આવેલા હોવાથી હજારો વિદ્યાર્થીઓ, દર્દીઓ અને સામાન્ય નાગરિકો દૈનિક ધોરણે પસાર થાય છે. આવા સંવેદનશીલ અને વ્યસ્ત માર્ગ પર અધવચ્ચે પડેલા ખાડા અને મુકાયેલા આડશોને કારણે દિવસભર ગંભીર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતી એમ્બ્યુલન્સો પણ આ અંધાધૂંધીમાં ફસાઈ રહી છે, જેનાથી કોઈ દર્દીનો જીવ જોખમાય તો તેનો જવાબદાર કોણ તેવો સળગતો સવાલ ઊભો થયો છે.
બીજી તરફ, આ માર્ગ પરથી પસાર થતા બાઈક અને કાર વાહનચાલકો સતત અકસ્માતની ભીતિ હેઠળ વાહન ચલાવવા મજબૂર બન્યા છે. દિવસ-રાત લોકોની અવરજવર વચ્ચે મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓ કઈ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યા છે તે સમજાતું નથી. કામ પૂરું થઈ ગયાને દિવસો વીતવા છતાં ખાડો બુરવાની અને રસ્તો પૂર્વવત કરવાની સામાન્ય ભાન પણ તંત્રના બાબુઓને નથી રહી? શું તંત્ર કોઈ નિર્દોષ નાગરિક કે દર્દીનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે કે પછી પ્રજાની સુખાકારી પ્રત્યે અધિકારીઓને સાવ આળસ આવી ગઈ છે? જામનગરની જનતા હવે આ બેદરકારી સામે આકરા સવાલો પૂછી રહી છે અને તાત્કાલિક ધોરણે આ જોખમી ખાડો પૂરી, બેરિકેડ્સ હટાવી રસ્તો સંપુર્ણ ખુલ્લો કરવાની લોકમાંગ બુલંદ બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application