BREAKING NEWS

જામનગર: પૈસા લઇ સોલાર પેનલ ન લગાવનાર કંપનીને વળતર ચૂકવવા આદેશ

  • September 30, 2026 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: પૈસા લઇ સોલાર પેનલ ન લગાવનાર કંપનીને વળતર ચૂકવવા આદેશ

ફરીયાદી શ્રી બાપા સીતારામ મઢુલી સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી હેમુબા રૂપસંગજી જાડેજા દ્વારા ટ્રસ્ટના સ્થળે સોલાર તેમજ ઇન્સ્ટોલેશન કરવા માટે સામેવાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, સામેવાળા નં.૧ ઇન્ટીફાય સોલાર પ્રા.લી. જામનગર તથા તેની અમદાવાદ ખાતેની મુખ્ય કચેરી દ્વારા સોલાર પેનલની ઇન્સ્ટોલેશનની સેવા પુરી પાડવાની હતી કંપની દ્વારા કરવામાં આવેલ સર્વે મુજબ ૩.૪૨ કિલો વોટની અદાણી ટોપ કોન કંપનીની સોલાર પેનલ લગાવવાનું નકકી કરવામાં આવ્યું હતુ અને તેમની કિંમત ૧૫૮૭૫૮ નકકી કરવામાં આવી હતી, ફરીયાદીએ કંપની ઉપર વિશ્ર્વાસ રાખીને બેંક ઓફ બરોડા ખાતાનો ચેક મારફત સંપુર્ણ રકમ કંપનીને ચુકવી આપી હતી પરંતુ સંપુર્ણ રકમ પ્રાપ્ત કર્યા બાદ પણ કંપની દ્વારા કોઇ કામ કરવામાં આવ્યું ન હતું. ફરીયાદી દ્વારા કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેમજ વારંવાર રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં વિવિધ કારણો દર્શાવી સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કરવામાં આવી ન હતી. તથા કંપની દ્વારા ૧૮૪ દિવસની અંદર ઇન્સ્ટોલેશન પુર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી સાથે જ કંપનીએ ઇન્સ્ટોલીશન પુર્ણ નહીં થાય તો ગ્રાહકે ચુકવેલી રકમ પરત કરવામાં આવશે તેવી લેખિત ખાતરી આપ્યા બાદ પણ નિર્ધારિત સમય મર્યાદામાં પુર્ણ થઇ ગઇ હોવા છતાં કોઇ કામગીરી નહોતી કરાઇ તેમજ વીજ વપરાશનો ખર્ચ પણ ચુકવવામાં આવ્યો નહોતો. તદઉપરાંત ફરીયાદીની ચુકવેલી રકમ પણ પરત આપવામાં આવી નહોતી. 

કંપનીના વલણથી વ્યથિત થઈ ફરિયાદી તરફથી એડવોકેટ મારફતે કાનૂની નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ પણ ફરિયાદીની માંગણીનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો ન હતો.આ પરિસ્થિતિમાં ફરિયાદીએ ગ્રાહક સંરક્ષણ અધિનિયમ, ૨૦૧૯ હેઠળ જામનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદી તરફથી એડવોકેટે રજૂઆત કરી હતી, કમિશને ફરિયાદ, સોગંદનામું તથા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવાઓનું અવલોકન કર્યું હતું.ખાસ કરીને સામાવાળા કંપની દ્વારા આપવામાં આવેલા લેખિત પત્રને મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે ધ્યાનમાં લેવામાં આવ્યો હતો.

જામનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને ફરિયાદ અંશત: ખર્ચ સાથે મંજૂર કરી હુકમ કર્યો છે કે  સામાવાળાઓને સંયુક્ત તથા વિભક્ત રીતે ફરિયાદીને રૂ. ૧,૫૮,૭૫૮/-ની રકમ પરત ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. ફરિયાદ ખર્ચ પેટે વધારાના રૂ. ૫,૦૦૦/- ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. રકમ એક માસની અંદર ફરિયાદીને ચૂકવવાની રહેશે. જો સામાવાળાઓ એક માસની સમયમર્યાદામાં ચુકવણી કરવામાં નિષ્ફળ જાય, તો હુકમ મુજબ ૯% વ્યાજના દરે રકમ ચૂકવવાની રહેશે.

આ કેસમાં ફરિયાદી તરફે જામનગરના યુવા એડવોકેટ ભાર્ગવ પ્રફુલચંદ્ર મહેતા, વકીલ સતીષ આર. નકુમ, સનીરાજસિંહ જાડેજા વકીલ નરેશ મંગેએ ફરિયાદી ને ન્યાય અપાવવામાં સફળતા મેળવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application