જીએસટીની જટીલતા અને આડેધડ નોટીસથી પ્રામાણિક કરદાતાઓને પારાવાર મુશ્કેલી
ઉદ્યોગો બંધ રાખી મૌન બાઈક રેલી સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવશે
જામનગરમાં જીએસટીના પ્રશ્ર્નોથી ત્રસ્ત ઉધોગકારોએ સોમવારે બંધનું એલાન આપ્યું છે. ઉધોગકારો એક દીવસ ઉધોગો બંધ રાખી મૌન બાઇક રેલી સાથે કલેકટરને આવેદન પાઠવશે. જીએસટીની જટીલતા અને આડેધડ નોટીસથી પ્રામાણીક કરદાતાઓને પારાવાર મુશ્કેલી પડી રહી હોય તાકીદે આ સમસ્યાનું નિરકારણ લાવવા ઉધોગકારોમાં માંગ ઉઠી છે.
જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસો તેમજ જીએસટી કાયદાની જટિલતાઓના કારણે પડી રહેલી મુશ્કેલીઓના કાયમી અને વ્યવહારૂ ઉકેલની માંગ સાથે જામનગરના ઉદ્યોગ સંગઠનો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા. ૨૮ સપ્ટેમ્બરના રોજ એક દિવસ માટે ઉદ્યોગો બંધ રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા જીઆઈડીસી પ્લોટ/શેડ હોલ્ડર્સ એસોસિએશન ફેઝ-૨ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૮ સપ્ટેમ્બરે સવારે ૧૦ કલાકે ફેક્ટરી ઓનર્સ એસોસિએશન ખાતેથી શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે મૌન સ્કૂટર-બાઈક રેલી યોજાશે. રેલીમાં જોડાયેલા ઉદ્યોગકારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જીએસટી સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે આવેદનપત્ર પાઠવશે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, જીએસટી કાયદાની જટિલતાઓ તથા વિવિધ નોટિસોના કારણે પ્રામાણિક કરદાતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રશ્નોના નિવારણ માટે જીએસટી કાયદામાં જરૂરી ફેરફારો કરી સ્પષ્ટ નીતિ અને માર્ગદર્શિકા બનાવવામાં આવે તેવી રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવશે. જામનગરના વેપાર-ઉદ્યોગ જગત સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓને તેમના સભ્યોને તા. ૨૮મીએ ફરજિયાત ઉદ્યોગ બંધ રાખવા તેમજ મૌન સ્કૂટર-બાઈક રેલીમાં મોટી સંખ્યામાં જોડાવવા તથા આ આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાઓને સમર્થન આપવા અનુરોધ કરાયો છે.