BREAKING NEWS

જામનગરમાં ઓનલાઇન ચલણથી બચવા એકસેસની નંબર પ્લેટમાં છેડછાડ

  • September 26, 2026 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ઓનલાઇન ચલણથી બચવા એકસેસની નંબર પ્લેટમાં છેડછાડ

ટાઉનહોલ પાસે ટ્રાફિક પોલીસના ચેકીંગમાં શખ્સ ઝપટે ચડયો : બાઇક અને ખોટી નંબર પ્લેટ કબ્જે 

જામનગર શહેરમાં સીસીટીવી કેમેરા મારફતે થતા ઓનલાઇન ચલણની કાર્યવાહીથી બચવા માટે બાઇકમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતા યુવાનને ટ્રાફિક પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે સ્કૂટર સહિત અસલ અને ખોટી બંને નંબર પ્લેટ કબજે કરી યુવાન સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ સત્યજીતસિંહ વાળાની ફરિયાદ મુજબ, કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરાના મોનિટરિંગ દરમિયાન સફેદ રંગના એક્સેસ સ્કૂટર પર ક્યારેક જીજે-૧૦-ઇએલ-૩૧૦૦ અને ક્યારેક જીજે-૧૦-ઇએલ-૩૧ નંબરની પ્લેટ લગાવીને વાહન ચલાવાતું હોવાનું ધ્યાને આવ્યું હતું. તપાસ કરતાં સ્કૂટરનો સાચો નોંધણી નંબર જીજે-૧૦-ઇએલ-૩૧૦૦ હોવાનું બહાર આવ્યું હતું.

આથી પોલીસે વાહન પર વોચ ગોઠવી હતી. દરમિયાન તા.૨૫ સપ્ટેમ્બરે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં બેડી ગેઇટ તરફથી એક્સેસ જીજે-૧૦-ઇએલ-૩૧ નંબરની પ્લેટ સાથે પસાર થતાં તેને ટાઉન હોલ નજીક અટકાવવામાં આવ્યું હતું. ચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ફૈઝલ યુનુસભાઈ મુનરાઈ  (ઉં.વ.૨૩) રહે. ઈદ મસ્જિદ પાછળ, ગરીબનગર, પાણાખાણ, જામનગર હોવાનું જણાવ્યું હતું. 

આરોપીએ પોતાના કબ્જાની એકસેસમાં ખોટા નંબર જીજે૧૦ઇએલ-૩૧ વાળા લગાવી અને આ ખોટા હોવાનું જાણવા છતા નંબરનો પોતે સાચા તરીકે ઉપયોગ કરી ઓનલાઇન ચલણની કાર્યવાહીથી બચવાના ઇરાદે છુપાવી નંબર પ્લેટમાં છેડછાડ કર્યાનું બહાર આવ્યુ હતુ આથી તેની સામે સીટી-બીમાં ફરીયાદ કરીને વાહન અને નંબર પ્લેટ કબ્જે કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application