BREAKING NEWS

જામનગર જિલ્લામાં ટ્રાન્સમીશન લાઈનના વળતર મુદ્દે રોષીત ખેડૂતોની રેલી

  • September 30, 2026 02:31 PM 

જામનગર જિલ્લામાં ટ્રાન્સમીશન લાઈનના વળતર મુદ્દે રોષીત ખેડૂતોની રેલી 

આક્રોશ:નોટીસ ફટકારી ૧૪ દીવસનો નિયત સમય ન આપી નિયમોનો ઉલાળીયો,ખેડૂતોને થતાં નુકસાનનું પૂરેપૂ‚ં વળતર આપો 

કલેક્ટરને આવેદન પાઠવી જમીનના રેકોર્ડમાં સુધારા બાદ કાર્યવાહી અને બજારભાવની નોટીસ રદ કરવા ઉગ્ર માંગ

જામનગર જિલ્લામાં ટ્રાન્સમીશન લાઇન અને ટાવરના વળતર મુદે રોષે ભરાયેલા ખેડૂતોએ આજે જિલ્લા ખેડૂત સમિતિના નેજા હેઠળ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં જમીનના રેકોર્ડમાં સુધારા બાદ કાર્યવાહી અને બજારભાવની નોટીસ રદ કરવાની માંગ સાથે નોટીસ ફટકારી ૧૪ દીવસનો નિયત સમય ન આપી નિયમોનો ઉલાળીયો કરવાનો આક્ષેપ કરી ખેડૂતોને થતાં નુકસાનનું પુરેપુરૂ વળતર આપવા રજૂઆત કરી છે. રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતાં. 

 જામનગર જિલ્લામાં ટ્રાન્સમીશન લાઈન તથા ટ્રાન્સમિશન ટાવર ઉભા કરવાની કામગીરીમાં અસરગ્રસ્ત ખેડૂતોને જમીનના વળતર મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરને ખેડૂતો દ્વારા આજરોજ જિલ્લા ખેડૂત સમિતિના નેજા હેઠળ  રેલી યોજી આવેદન પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં ટ્રાન્સમીશન લાઈન અને ટાવરની કામગીરી શરૂ કરતા પહેલાં અસરગ્રસ્ત જમીનોના રેકોર્ડમાં થયેલા ફેરફારો અને ખેડૂતોના નામોમાં રહેલી ભૂલો સુધારવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ટ્રાન્સમિશન લાઈન સ્થાપિત કરનાર કંપની દ્વારા બજારભાવ નક્કી કરવા અંગે અગાઉ કોઈ પૂર્વનોટીસ કે લેખિત જાણ કરવામાં આવી નથી. ઉપરાંત, કલેક્ટર કચેરી તરફથી આપવામાં આવેલી નોટીસમાં પણ કાયદાકીય રીતે જરૂરી ૧૪ દિવસનો સમય આપવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, ટ્રાન્સમિશન કંપનીને વીજળી અધિનિયમ હેઠળ મંજૂરી મેળવી કલમ ૧૬૪ મુજબ ટેલિગ્રાફ અધિનિયમ, ૧૮૮૫ની સત્તાઓ પ્રાપ્ત થયેલી છે. ટેલિગ્રાફ અધિનિયમની કલમ ૧૦(ડી) મુજબ લાઈન સ્થાપનાથી હિતધારક ખેડૂતોને થતા નુકસાનનું સંપૂર્ણ વળતર ચૂકવવાની જોગવાઈ હોવાનો ખેડૂતોનો દાવો છે.

ખેડૂતોએ ઉર્જા વિભાગના તા. ૦૪-૦૭-૨૦૨૬ના ઠરાવ તથા તા. ૩૧-૦૭-૨૦૨૬ની માર્ગદર્શિકાનો પણ વિરોધ નોંધાવ્યો છે. રજૂઆત મુજબ, આ માર્ગદર્શિકા ખેડૂતોને સંપૂર્ણ વળતર આપતી ન હોવાથી તેને અગાઉ વિવિધ ગામોની ગ્રામ પંચાયતોના ઠરાવો મારફતે પણ પડકારવામાં આવી છે. કેન્દ્રીય કાયદા એવા વીજળી અધિનિયમ અને ટેલિગ્રાફ અધિનિયમની જોગવાઈઓનું અક્ષરશ: પાલન થવું જોઈએ અને રાજ્ય સરકારની કોઈ માર્ગદર્શિકા કે ઠરાવથી કેન્દ્રીય કાયદા હેઠળ મળતા હક્કો મર્યાદિત કરી શકાય નહીં, તેવી રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.આ ઉપરાંત, ટ્રાન્સમિશન લાઈનની કામગીરીના સંદર્ભમાં જમીન ધરાવતા ખેડૂતો સામે કંપની દ્વારા ફરિયાદો કરવામાં આવતી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. ખેડૂતો સામે અયોગ્ય ફરિયાદો દાખલ કરી તેમને આરોપીની સ્થિતિમાં મૂકવાની કાર્યવાહી અટકાવવા પણ કલેક્ટરને રજૂઆત કરાઈ છે. ખેડૂતોએ અંતમાં કલેક્ટર કચેરી દ્વારા બજારભાવના વળતર અંગે આપવામાં આવેલી નોટીસ તાત્કાલિક રદ કરી, જમીનના રેકોર્ડમાં જરૂરી સુધારા કર્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application