જામનગર: રાજકોટના બહુચર્ચીત અલ્પેશ દોંગા એન્ડ ટોળકી સામે જામનગર જીલ્લામાં પણ નોંધાયા બે ગુના
કાલાવડના બે ખેડુતના જમીનના દસ્તાવેજ કરાવી લઇ વ્યાજ સહિત લાખો-કરોડો વસુલ્યાનો આક્ષેપ : નિકાવાના ખેડુત પાસેથી ૧.૨૫ કરોડ અને હરીપરના ખેડુત પાસેથી ૧૬.૮૭ લાખ પડાવી ધમકીઓ આપી : ભારે ચકચાર
રાજકોટના બહુચર્ચીત અલ્પેશ દોંગા એન્ડ ટોળકી સામે જામનગર જીલ્લામાં પણ બે અલગ અલગ ગુના દાખલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે. કાલાવડના બે ખેડુતને વ્યાજે પૈસા આપી જમીનના દસ્તાવેજ કરાવી લઇ અને બળજબરીપુર્વક લાખો-કરોડોની રકમ વસુલ કર્યાનો ફરીયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. કાલાવડ ટાઉન અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અલ્પેશ દોંગા સહિત કુલ આઠ સામે ફરીયાદ દાખલ થતા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.
કાલાવડ તાલુકાના નિકાવા પીપર ગામના રસ્તે માતાજીના મંદિરની બાજુમાં રહેતા પરેશ વલ્લભભાઇ સોજીત્રા (ઉ.વ.૪૪) નામના ખેડુતે ગઇકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં રાજકોટના અલ્પેશ દોંગા, અક્ષીત અકબરી, આકાશ ડાંગર, થાનના વાઘુ વીરા ડાંગર, રણજીત કાનભાઇ જળુ અને તપાસમાં જે ખુલે તમામ સામે બીએનએસ કલમ ૩૧૬(૫), ૩૧૮(૫), ૩૦૮(૨), ૩૫૧(૩),૩૫૨, ૬૧(૨), ૩(૫) તથા ગુજરાત નાણા ધીરધાર અધીનીયમ કલમ ૫, ૪૦ અને ૪૨ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
આરોપીઓએ એકબીજા સાથે મળી પુર્વ આયોજીત ગુનાહીત કાવતરુ રચી સમાન ઇરાદો પાર પાડવા સા ફરીયાદીની નાણાકીય ભીંસ અને લાચારીનો ગેરલાભ લઇને આરોપી અલ્પેશ દોંગાએ ખેતીની લોન પેટે રૂ. ૨૦ લાખ ધીરી તેના પર માસીક ૨.૫ ટકા લેખે વ્યાજે આપી સરકારના નાણા ધીરધાર અધીનીયમ વિરુઘ્ધ લાયસન્સ વગર ઉંચા વ્યાજના દરે પૈસા આપીને ગેરકાયદે વ્યાજ વસુલ્યુ હતું.
વિશ્ર્વાસઘાત કરી ફરીયાદીની ૧૪ વિઘા જમીનનો વેચાણ દસ્તાવેજ ઓળવીને કરાવી લઇ ત્યાર બાદ ફરીયાદી પાસેથી વ્યાજના રૂ. ૫૦ હજાર આરોપી અક્ષીત પટેલે વસુલી લીધેલ તેમજ આરોપી વાઘુ ડાંગર તથા રણજીતએ જમીન પરત નામે કરાવવા માટે વધુ ૬૩.૪૦ લાખ અલગ અલગ ચેકથી રૂપીયા વાઘુભાઇને આપેલ અને બાકીના રોકડા રૂ. ૬૧.૬૦ લાખ રણજીતને આપેલ હતા.
આમ આરોપીઓએ કુલ ૧.૨૫.૫૦ કરોડ બળજબરીથી પડાવી લઇ પઠાણી ઉઘરાણી કરી છેતરપીંડી આચરી તેમજ અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપીને ગુનો કર્યો હતો. સને ૨૦૨૫ના ફેબ્રુઆરી મહીનાથી તા. ૩-૯-૨૫ સુધી નિકાવા ખાતે પરેશભાઇની વાડીએ બનાવ બન્યાનું ગ્રામ્ય પોલીસમાં જણાવવામાં આવ્યુ છે. આ ફરીયાદના આધારે પીઆઇ એન.વી. આંબલીયા અને સ્ટાફ દ્વારા તપાસનો દોર આગળ ધપાવવામાં આવ્યો છે.
અન્ય એક ફરીયાદમાં કાલાવડ તાલુકાના હરીપર (ખંઢેરા) ગામ ખાતે રહેતા ખેતી કરતા જમન ધનાભાઇ વસોયા (ઉ.વ.૬૬)એ ગઇકાલે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં રાજકોટના અલ્પેશ ગોવિંદ દોંગા તથા ધર્મેન્દ્ર મીઠા ઠેસીયા તથા નાગજી માધા નસીત આ ૩ની વિરુઘ્ધ આઇપીસી કલમ ૪૦૯, ૩૮૬, ૩૮૯, ૫૦૬(૨), ૧૨૦(બી), ૩૪ તથા ગુજરાત નાણા ધીરધાર અધીનીયમ કલમ ૫, ૩૯, ૪૨ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
આ ફરીયાદની વિગત મુજબ આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરુ રચી સમાન ઇરાદો પાર પાડવા માટે ફરીયાદી ખેડુતની નાણાકીય ભીંસ અને લાચારીનો ગેરલાભ લઇને આરોપી અલ્પેશ દોંગાએ ફરીયાદીની ખેતીની જમીનનો દસ્તાવેજ આરોપી ધર્મેન્દ્ર ઠેસીયા તથા નાગજીના નામે કરાવડાવતા બંને આરોપીઓએ ફરીયાદીને કુલ રૂ. ૧૨.૮૦ લાખ આપી જે પીયાના ૨.૭૫ ટકા માસીક વ્યાજે અલ્પેશે ફરીયાદી પાસેથી કુલ રૂ. ૩.૮૭.૨૦૦ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી વસુલી કર્યા હતા.
તે ઉપરાંત મુળ રકમ રૂ. ૧૩ લાખ ફરીયાદીને ડરાવી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની ઓફીસે બળજબરીપુર્વક જમા કરાવડાવી કુલ ૧૬.૮૭.૨૦૦ ચુકવી આપેલ હોય તેમ છતા તમામ આરોપીઓ ફરીયાદીની જમીન બળજબરીથી કઢાવી લેવા ખાલી કરાવવા તથા ફરીયાદીને લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરવાની ધાક ધમકીઓ આપી તમામ આરોપીઓએ ગુનાહીત વિશ્ર્વાસઘાત કર્યો હતો સને જુન ૨૦૨૨ થી સને સપ્ટે-૨૦૨૩ સુધીના સમયગાળા દરમ્યાન કાલાવડ સબ રજીસ્ટાર કચેરી વિસ્તાર ખાતે બનાવ બન્યાનું ફરીયાદમાં જણાવવામાં આવ્યુ છે. આ ફરીયાદના આધારે કાલાવડ ટાઉનના પીઆઇ પી.ટી. જયસ્વાલ અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે રાજકોટના બહુચર્ચીત અલ્પેશ દોંગા એન્ડ ટોળકી સામે કાલાવડ પંથકમાં બે ગુના દાખલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે બંને ફરીયાદોના આધારે પોલીસ દ્વારા વધુ પુરાવા એકત્ર કરવા, નિવેદનો લેવા સહિતનો તપાસનો દોર આગળ લંબાવવામાં આવ્યો છે.