પાણીનું એક ટીપું આવતું નહોતું...રાજકોટ એસટી બસપોર્ટમાં પાણીની ધાંધિયા, કાળઝાળ ગરમીમાં 50 હજાર મુસાફરો તરસ્યા રહ્યાં

  • May 03, 2025 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ એસટી બસપોર્ટમાં મિનરલ વોટરની બોટલ વેંચતા ધંધાર્થીઓના લાભાર્થે હાલ ધોમ ધખતા ઉનાળામાં દરરોજ બપોરે ૧૨થી સાંજના ૬ વાગ્યા સુધીના સમય દરમિયાન અકળ કારણોસર પીવાના પાણીના પરબ બંધ થઇ જતા હોય મુસાફરો વેંચાતું પાણી ખરીદવા મજબુર બની રહ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના તમામ એસટી બસ સ્ટેશન, ડેપો અને કન્ટ્રોલ પોઇન્ટ ઉપર મુસાફરોને પીવાનું પાણી વિનામૂલ્યે મળે છે પરંતુ દરરોજ ૧૨૦૦ બસ અને ૫૦ હજાર મુસાફરોની અવરજવર ધરાવતા રાજકોટ એસટી બસપોર્ટ ઉપર મુસાફરોને પીવાના પાણીની સુવિધા મળતી નથી તેવી ફરિયાદ મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ઉચ્ચ કક્ષાએ કરાઇ છે.


મુસાફરોને પીવાના પાણી માટે વલખા

ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે બપોરે ધોમધખતા તાપમાં મુસાફરોને પીવાના પાણી માટે વલખા મારવા પડ્યા હતા. એસ.ટી બસ પોર્ટના તમામ પરબ શોભાના ગાંઠીયા જેવા બની ગયા હતા અને હજારો મુસાફરો જ્યારે પાણી પીવા માટે જાય કે પોતાની સાથે રહેલ બોટલમાં પાણી ભરવા જાય ત્યારે તરસ્યા પાછું ફરવું પડતું હતું. તમામ પરબો પર પાણીનું એક ટીપું આવતું નહોતું અને પાણી બંધ છે એ અંગેના કોઈ બોર્ડ મુક્યા ન હતા. પરબ બંધ હોય તે સ્થળે મુસાફરોના હિતમાં પાણીની નાંદ અથવા પાણીના કેરબા મુકવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ એ રજૂઆતનું અમલીકરણ ન કરવામાં આવતા ગઇકાલે હજારો મુસાફરોને કલાકો સુધી પાણી માટે વલખા મારવા પડ્યા હતા અને ખાસ કરીને બાળકો અને સિનિયર સિટીઝન્સની હાલત કફોડી બની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application