રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા તથા સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકીઓ પર કડક નિયંત્રણ લાવવા માટે શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મહત્વની અને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી સક્રિય અને રીઢા ગુનેગારો ધરાવતી ‘રામદેવ ડાંગર ગેંગ’ વિરૂદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. આ ગેંગના કુલ 5 સાગરીતો વિરુદ્ધ ‘ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ’ (GCTOC) - ૨૦૧૫ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ગંભીર ગુનાઓનો ઇતિહાસ અને ભયનું સામ્રાજ્ય
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રામદેવ ડાંગર ગેંગના સભ્યો છેલ્લા ઘણા સમયથી રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી રહ્યા હતા. આ ગેંગના સાગરીતો હત્યા, હત્યાનો પ્રયાસ, ઘાતક હથિયારો વડે ગંભીર મારામારી, વેપારીઓ અને સામાન્ય લોકો પાસેથી ખંડણી વસૂલવી, ધાક-ધમકી આપી બળજબરીપૂર્વક પૈસા પડાવવા તેમજ ગેરકાયદેસર મંડળી રચી હુમલા કરવા જેવા ગુનાઓમાં સંડોવાયેલા છે. આ ઉપરાંત, કાયદાનો ડર રાખ્યા વિના સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ ઊભી કરવી, કિંમતી જમીનો પચાવી પાડવી (લેન્ડ ગ્રેબિંગ), તેમજ પ્રોહિબિશન (દારૂ) અને ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી જેવા અનેક સંગીન ગુનાઓ આ ગેંગ સામે નોંધાયા છે. આ ગેંગ દ્વારા સંગઠિત રીતે ગુનાઓ આચરીને સમગ્ર શહેરમાં ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરવામાં આવતું હતું.
ઉચ્ચ પોલીસ અધિકારીઓનું માર્ગદર્શન અને એક્શન
રાજકોટ શહેરમાં ગુનેગારો પર ધાક બેસાડવાના હેતુથી રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીકના સીધા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ગેંગના તમામ સભ્યોના ભૂતકાળના ગુનાહિત ઇતિહાસ અને કાયદાકીય રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બસીયાના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચે આકરી કાનૂની કલમો હેઠળ ગુનો નોંધી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ હેઠળ સકંજો કસ્યો છે.
આર્થિક સામ્રાજ્ય અને નેટવર્કની ઊંડી તપાસ શરૂ
હાલમાં પોલીસ દ્વારા આ ગેંગના તમામ સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ તેજ ગતિએ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ આગામી દિવસોમાં આ ગેંગના આર્થિક નેટવર્ક, ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલી મિલકતો અને તેમને આડકતરી રીતે મદદ કરનારા અન્ય સાગરીતો અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની આ કડક કાર્યવાહીથી સ્થાનિક ગુનેગારો અને સંગઠિત માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શહેરીજનોએ પોલીસની આ કડક કામગીરીને આવકારી છે.