ફરજ પર હાજર થાય એ પહેલા કાળ ભેટી ગયો...ધંધુકા-રાણપુર હાઇવે પર ટ્રક-કાર વચ્ચે અકસ્માતઃ પોરબંદરના શિક્ષકનું મોત

  • June 04, 2026 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ જિલ્લાના ધંધુકા-રાણપુર રોડ પર આજે સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ધંધુકા-રાણપુર હાઈવે પર આવેલા કિશાન જીન નજીક એક બેકાબૂ બનેલી ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર ગમખ્વાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાવહ હતો કે ટ્રકની જોરદાર ટક્કર વાગતા જ કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો અને કારના કુરચેકુરચા ઉડી ગયા હતા. કારમાં સવાર પોરબંદરના શિક્ષકનું મોત નીપજ્યું હતું જ્યારે તેમના પત્ની અને ચાર વર્ષના પુત્ર સહિત ત્રણને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 


મળતી વિગતો અનુસાર, મૂળ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના અમીપુરા ગામના વતની મોહન પરબતભાઇ વાસણ (ઉં.વ. ૩૫) દાહોદ જિલ્લાના લીમખેડા નજીક આવેલા એક ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઉનાળુ વેકેશન પૂરું થતાં અને શાળાઓ પુનઃ શરૂ થવાની હોવાથી, મોહનભાઈ પોતાના પરિવાર સાથે ઘરવખરીનો સામાન લઈને પોરબંદરથી લીમખેડા જવા માટે નીકળ્યા હતા. તેમની કારમાં પત્ની, પુત્ર અને મામાનો દીકરો સવાર હતા, જ્યારે ઘરવખરીનો સામાન ભરેલી બીજી એક ગાડીમાં ચિરાગ નામનો યુવક તેમની પાછળ જ આવી રહ્યો હતો. આખો પરિવાર ખુશી-ખુશી નોકરીના સ્થળે પરત ફરી રહ્યો હતો ત્યારે માર્ગમાં આ કાળમુખો અકસ્માત નડ્યો હતો.


આ ભયાનક દુર્ઘટનામાં યુવાન શિક્ષક મોહન પરબતભાઇ વાસણનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાના કારણે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું  જ્યારે કારમાં સવાર મૃતકના પત્ની લક્ષ્મીબેન મોહનભાઈ વાસણ (ઉં.વ. ૩૦), તેમનો ચાર વર્ષનો માસૂમ પુત્ર જાસ્મિન મોહનભાઈ વાસણ અને મૃતકના મામાનો દીકરો ધનંજય ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ કારમાં ફસાયેલા લોહીલુહાણ ઇજાગ્રસ્તોને સ્થાનિક લોકો અને ઇમરજન્સી સેવાઓ દ્વારા ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. પરિવારે પોતાની નજર સામે જ ઘરના મોભીને ગુમાવતાં ઘટનાસ્થળે આક્રંદ કર્યું હતું.


દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ઘટના અંગે તાત્કાલિક પોલીસ તથા એમ્બ્યુલન્સને જાણ કરી હતી. માહિતી મળતા જ ધંધુકાની ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ૧૦૮ની ટીમે લોહીલુહાણ ત્રણેય ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી ધંધુકાની આરએમએસ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જો કે, ત્રણેયની સ્થિતિ ગંભીર જણાતા તેઓને વધુ સઘન સારવાર અર્થે બોટાદ રીફર કરવામાં આવ્યા હતા.

આ સાથે જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક શિક્ષકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતને કારણે ધંધુકા-રાણપુર હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ક્રેન અને સ્થાનિકોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર ખસેડ્યા હતા અને ભારે જહેમત બાદ ટ્રાફિક હળવો કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. એક હસતા-રમતા પરિવારે અકસ્માતમાં વ્હાલસોયા મોભીને ગુમાવતા અમીપુરા ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application