જામનગર પંથકમાં ચાર વર્ષ પહેલા એક સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપીને ભગાડી લઈ ગયા પછી તેની સાથે દુષ્કર્મ આચારવાના કેસમાં અદાલતે આરોપીને ૨૦ વર્ષની સજાનો હકમ કર્યો છે.
જુલાઈ -૨૦૨૧ માં પોલીસ માં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપી રણજીત ગણેશસિંહ રાજપુત (૨૩) નામનો પરપ્રાંતીય યુવાન ભોગ બનનાર સગીરાના પરિચયમાં આવ્યો હતો. અને ભોગ બનનાર જામનગરના એક કારખાનામા મજૂરી કામે જતી હતી ત્યાંથી આ સગીરાને હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા છે. તેમ કહીને ભગાડી લઈ ગયો હતો અને આરોપીના કાકા જેઓ ભાવનગરમાં રહે છે ત્યાં બંને પહોંચ્યા હતા, પરંતુ તેમના લગ્ન થઈ નહીં થયા હોવાથી તેમના કાકાએ પોતાના ઘરે રહેવાની ના પાડી દીધી હતી.
આ બંને ત્યાંથી યુવકના વતન રાજસ્થાનમાં પહોંચ્યા હતા અને પોતાના સંબંધીના ઘરે રોકાયા હતા, જ્યાં તેને સંતાડી રાખી હતી. આ અંગે જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરીને બંનેને ઝડપી લીધા હતા અને આરોપીને જેલ હવાલે કર્યો હતો.
આ અંગેનો કેસ જામનગરની સ્પે. પોકસો અદાલતમાં ચાલી જતા ભોગ બનનાર, ફરીયાદી, મેડીકલ ઓફીસરની જુબાની, દસ્તાવેજી પુરાવાઓ, તેમજ સરકાર પક્ષે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈ જામનગરની સ્પે. પોકસો અદાલતના ન્યાયાધીશ વી.પી. અગ્રવાલએ આરોપીને તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૧૭,૦૦૦ ના દંડનો હુકમ કર્યો છે. તેમજ ભોગ બનનારને વિકટીમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર પેટે રૂા. ૪,૦૦,૦૦૦ ચુકવવાનો પણ હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.