બદલી થાય એ પહેલા મોત મળ્યું... રાજકોટમાં નર્સની હત્યા કર્યા બાદ હત્યારો બાથરૂમમાં ઘૂસી ગયો ને પાડોશીઓએ બહારથી દરવાજો બંધ કરી દીધો!

  • May 13, 2025 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના યુનિવર્સિટી રોડ પર આયુર્વેદિક હોસ્પિટલ પાછળ આવેલી ઋષિકેશ સોસાયટીમાં રાત્રિના હત્યાનો બનાવ બન્યો હતો. મૂળ અમદાવાદના દશક્રોઇના કુહા ગામના વતની અને હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાસે આવેલી કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરનાર મહિલા ચૌલાબેન ત્રીભોવનદાસ પટેલ(ઉ.વ ૫૨) ની રાત્રીના તેની પાછળની શેરીમાં જ રહેતા કાનજી ભીમાભાઇ વાંજા(ઉ.વ ૩૪) નામના નામના શખસે છરીના ઘા ઝીંકી ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. હુમલામાં ખુદ આરોપી પણ ઘવાયો હતો.


મહિલાએ પ્રતિકાર કરતા તેની હત્યા કરી નાખી

બનાવના પગલે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો તેમજ ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા પણ બનાવ સ્થળે દોડી ગયા હતા. હત્યા કરનાર આ શખસને પોલીસે સકંજામાં લઇ પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં મહિલાની પાછળની શેરીમાં જ રહેતા આ શખસ રાત્રીના મહિલાના ઘરમાં બદઇરાદે ઘૂસ્યો હતો બાદમાં તેણે મહિલા સાથે બળજબરી કરવાની કોશિશ કરી હતી પરંતુ મહિલાએ પ્રતિકાર કરતા તેની હત્યા કરી નાખી હોવાનુ શંકા સેવાઇ રહી છે. બનાવ અંગે મહિલાના ભાઇની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો 

હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ અમદાવાદના દશક્રોઇના વતની અને હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આયુર્વેદિક હોસ્પિટલની પાછળ ઋષિકેશ સોસાયટી શેરી નંબર 2 માં રહેતા ચૌલાબેન ત્રિભોવનદાસ પટેલ (ઉ.વ ૫૩ ) નામના મહિલાના રૂમમાં ગઈકાલ રાત્રિના તેમના ઘરની પાછળ રહેતો કાનજી ભીમાભાઇ વાંજા બદઇરાદે ઘૂસી આવ્યો હતો અને તેણે બળજબરી કરવાની કોશિશ કરતા મહિલાએ પ્રતિકાર કર્યો હતો.બાદમાં તેણે છરી વડે હુમલો કરી છાતીના ભાગે છરીના ઘા ઝીંકી દઇ ગળું દબાવી દીધું હતું. જેમાં મહિલા ગંભીર રીતે ઘવાયા હતા 108 નો સ્ટાફે અહીં આવી જોઈ તપાસી આ મહિલાને મૃત જાહેર કરતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ.એસ. પટેલ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.


નીચેના રૂમમાં મકાનમાલિક દંપતી રહે છે

હત્યાના બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ચૌલાબેન મૂળ અમદાવાદના દશક્રોઇના કુહા ગમના વતની હોય અને અગાઉ તેઓ અમદાવાદમાં કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ૨૪ વર્ષથી નોકરી કરતા હતા છેલ્લા ચારેક માસથી તેમની બદલી રાજકોટમાં યનિ. રોડ પર આવેલી કેન્સર હોસ્પિટલમાં થઈ હતી તેઓ અહીં નોકરી કરતા હતા અને ઋષિકેશ સોસાયટીમાં મકાન ભાડે રાખ્યું હતું.જેમાં ઉપરના રૂમમાં તે રહેતા હતા જયારે નીચેના રૂમમાં મકાનમાલિક દંપતી રહે છે.


ઇએમટીએ જોઈ તપાસી મહિલાને મૃત જાહેર કર્યા 

રાત્રિના મકાનમાં નીચેના ભાગે રહેતા મકાન માલિક દંપતીને જોર જોરથી અવાજ આવતા તેઓ તુરંત બહાર નીકળ્યા હતા. દરમિયાન ચૌલાબેનને લોહલુહાણ હાલતમાં અને તેની સાથે અહીં આરોપી કાનજી ભીમજી વાઘેલા પણ હાજર હોય તેને પૂછતા તું કોણ છે તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો તે પણ ઇજાગ્રસ્ત હાલતમાં હોય બાદમાં તે અહીંથી નાસી ગયો હતો. ત્યારબાદ મહિલાને મકાનમાલિકે પૂછતા તેણે કહ્યું હતું કે આ શખસે તેના પર હુમલો કર્યો હતો અને તેનું ગળું દબાવ્યું હતું. એટલું કહી તેઓ બેભાન થઈ ગયા હતા ત્યારબાદ 108 ને જાણ કરવામાં આવતા ઇએમટીએ જોઈ તપાસી મહિલાને મૃત જાહેર કર્યા હતા.


પોલીસે આરોપી કાનજી વાંજા સામે ગુનો નોંધ્યો

મહિલાની હત્યા કરનાર પાછળની શેરીમાં રહેતો કાનજી વાંજા મૂળ જુનાગઢના સિંધાજનો વતની છે તે અહીં પત્ની અને બે સંતાનો સાથે રહે છે અને કાલાવડ રોડ પર ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેનો પરિવાર પણ અહીં છેલ્લા એકાદ વર્ષથી રહેવા આવ્યો છે. રાત્રિના કાનજી અહીં મહિલાના બદઇરાદેથી આવ્યો હતો બાદમાં ઘરે આવ્યો હતો બાદમાં બંને વચ્ચે જે કંઈ પણ બન્યું હોય કાનજી મહિલા પર હુમલો મહિલાએ પ્રતિકાર કરતા કાનજીએ મહિલાને છરીના ઘા ઝીંકી ગળું દબાવી દીધું હતું. જેમાં કાનજીને પણ ઇજા થઇ હતી. બનાવને લઈ પોલીસે આરોપી કાનજી વાંજાને સંકજામાં લઇ પુછતાછ શરૂ કરી છે. બીજી તરફ આ અંગે અમદાવાદના દશક્રોઇના કુહા ગામે રહેતા મહિલાના ભાઇ શિંવાગભાઇ ત્રિભોવનદાસ પટેલ(ઉ.વ ૫૧) ની ફરિયાદ પરથી પોલીસે આરોપી કાનજી વાંજા સામે ગુનો નોંધ્યો છે.

મહિલા એક ભાઈ એક બહેનના પરિવારમાં નાના હતા અને અપરિણીત હતા. હાલ આ મામલે મહિલાના પરિવારજનની દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે.


મહિલા લોહીલુહાણ હાલતમાં ઘરની બહાર નીકળતા અને બૂમાબૂમ
 

મહિલા લોહીલુહાણ હાલતમાં ઘરની બહાર નીકળતા અને બૂમાબૂમ કરતા અહીં પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા. દરમિયાન કાનજી અહીંથી નાસી પોતાના ઘરે જઈ બાથરૂમમાં પુરાઈ ગયો હતો. જે અંગેની જાણ પાડોશીઓને થતા પોલીસને જાણ કરી બહારથી બાથરૂમમાં દરવાજો બંધ કરી દીધો હતો.


આગામી તા.૧ ના મહિલાની અમદાવાદ બદલી થવાની હતી

મૂળ અમદાવાદના વતની ચૌલાબેન નામના મહિલાની અહીં ઋષિકેશ સોસાયટીમાં તેમના ઘરની પાછળ જ રહેતા શખસે હત્યા કરી નાખી હતી. આ મહિલા અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હતા અને ચારેક માસથી તેમની અહીં રાજકોટ બદલી થઈ હતી. પરંતુ પરિવારજનોએ અમદાવાદ રહેવાની વાત કરતા તેમણે બદલી અંગેની વાત કરી હતી અને આગામી તા. 1 ના તેમની અમદાવાદ બદલી થવાની હતી.​​​​​​​


મહિલાએ તેને બોલાવ્યો હોવાનું આરોપીનું રટણ

રાત્રિના ઋષિકેશ સોસાયટીમાં મહિલાની હત્યા કરનાર કાનજી અહીં મહિલાના ઘરે હતો ત્યારે મકાન માલિક સુરેશભાઈ ગોધાણીએ તું અહીં શું કરે છે? તેમ કહેતા તેણે કહ્યું હતું કે, મહિલાએ તેને અહીં બોલાવ્યો હતો જોકે આરોપીની વાતમાં સત્ય છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.


આરોપીની પત્નીએ કહ્યું પતિ રાત્રે કામ જવાનું કહી નિકળ્યા’તા

મૂળ જૂનાગઢના સિંધાજ ગામના વતની અને છેલ્લા એક વર્ષથી રાજકોટમાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરનાર કાનજી વાંજાએ રાત્રીના તેના મકાનની પાછળ રહેતી મહિલાની હત્યા નિપજાવી હતી.આ અંગે આરોપીની પત્નીએ સંગીતાબેને જણાવ્યું હતું કે,રાત્રીના તે ઘરેથી કામ પર જવાનું કહી નિકળ્યા હતાં.તેમનું વાહન ખરાબ હોય તેઓ ચાલીને ઘરેથી ૧૧ વાગ્યા આસપાસ નિકળ્યા હતાં. આરોપીના પત્ની કાલાવડ રોડ પર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application