ગ્રાન્ટ ફાળવણી અંગે ભાજપના સભ્યોમાં અસંતોષ અસમાનતાના મુદ્દે વિકાસ કમિશનરની કોર્ટમાં દાદ માંગી

  • May 20, 2025 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપમાં આંતરિક વિખવાદ ઊભો થયો હોય તેમ ગ્રાન્ટ ફાળવણી બાબતે સભ્યો સામસામે આવી ગયા છે. ભાજપના જ સભ્ય અને પૂર્વ ઉપપ્રમુખ દ્વારા વિકાસલક્ષી ગ્રાન્ટ ફાળવણીમાં અસમાનતા હોવાના આક્ષેપ સાથે તેઓનો વિરોધ હોવા છતાં વાંધા સૂચનને અવગણી સભામાં ઠરાવ પસાર કરાયો હતો જે ઠરાવને પણ રદ કરવા ભાજપના સભ્ય દ્વારા વિકાસ કમિશનરની કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. આથી ભાજપમાં સનસનાટી મચી ગઈ છે.
એક બાજુ રાજ્ય અને કેન્દ્ર સરકાર વિકાસ કામો માટે અઢળક નાણા ફાળવે છે પરંતુ તેનો આયોજનબદ્ધ ઉપયોગ થતો નથી.જિલ્લા પંચાયતમાં અગાઉ પણ નાણાપંચની ફાળવેલી ગ્રાન્ટ વર્ષો સુધી ટલ્લે ચડી હતી. ત્યારબાદ તાજેતરમાં વર્ષ ૨૦૨૨-૨૩, વર્ષ ૨૦૨૩-૨૪ તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ નું આયોજન જનરલ અનટાઈડ, ટાઈડ, અનુસૂચિત જાતિ અનટાઈડ તેમજ અનુસૂચિત જાતિ ટાઇડની ગ્રાન્ટ ફાળવણીમાં ૧૮મી માર્ચની ભાવનગરની સાધારણ સભામાં થયેલા ઠરાવમાં અસમાનતા જણાતા ભાવનગર જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ સિહોરાએ જિલ્લા પંચાયતના સચિવને પણ લેખિત અને ઈમેઈલ દ્વારા રજૂઆત કરી હતી.
૧૫મા નાણાપંચના વિકાસ કામો માટે ફાળવાયેલી ગ્રાન્ટના આયોજનમાં ઘણા તાલુકાઓને અન્યાય થયેલ છે. જિલ્લા પંચાયતની એક સીટમાં એક કરોડ, બીજા તાલુકામાં ત્રણ કરોડની રકમ ફાળવવાથી અમુક વિસ્તારને અન્યાય થયેલ છે. દરેક જિલ્લા પંચાયત સીટમાં ૨૫ લાખ એવરેજ ફાળવાના થતા હોય પરંતુ ઘણી એવી જિલ્લા પંચાયત સીટ છે કે જેમાં એક એક કરોડ જેવી રકમ સૂચવી દેવામાં આવી છે. ઘણામાં તો માત્ર રૂપિયા દસ લાખ જેટલી જ ગ્રાન્ટ ફાળવી છે.આથી અસંતોષ ફેલાયો છે.
ભાવનગર જિલ્લા પંચાયતની ગત તા.૧ મે ની સાધારણ સભામાં ગ્રાન્ટ ફાળવણી બાબતે થયેલા ઠરાવને બહાલ નહીં રાખવા જણાવી લેખિતમાં વાંધા અરજી આપવા છતાં સભાના ઠરાવમાં કોઈ વાંધા સૂચન સભ્ય દ્વારા રજુ નહીં થયું હોવાનું ઉલ્લેખી બહાલી આપી હતી.
જ્યારે ૧૫મા નાણાપંચ યોજનામાં ભાવનગર જિલ્લા કક્ષાની ૧૦% ગ્રાન્ટ પૈકી વર્ષ ૨૦૨૦-૨૧ અને વર્ષ ૨૦૨૪-૨૫ ના આયોજનમાં ગ્રાન્ટનું બાકી કામોની સામે શરૂ નહીં થનાર અથવા અન્ય યોજનામાં થઈ ગયેલ કામોમાં ફેરફાર મંજૂર કરવાના ઠરાવમાં પણ અસમાનતા જોવા મળી છે તેને દૂર કરવા પણ ઘનશ્યામભાઈ શિહોરાએ વિકાસ કમિશનરને રજૂઆત કરી ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં થયેલા ઠરાવને રદ કરવા માંગ કરી છે.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application