જામનગર : શહેર-જિલ્લામાં ઠંડીનો ચમકારો: તાપમાન ૧૪ ડીગ્રી

  • January 02, 2026 05:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વિક્રમ સવંત દિપાવલીના તહેવારના સમયની જેમ જ ઇસુના નવા વર્ષના પ્રારંભથી જ જામનગર-દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પડેલ માવઠાથી ખેડુતોના હાલ બેહાલ થયા છે, શિયાળો મઘ્યમાં પહોંચ્યો હોવા છતાં ઠંડી હજુ ત્રીજા ગીયરમાં પડી નથી, સવારે શિયાળો, બપોરે ઉનાળા જેવું વાતાવરણ અને સાંજે હલ્કી ઠંડી જોવા મળી રહી છે.


જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૬.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૨૦ થી ૨૫ કિ.મીની ઝડપે રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું.


જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી મિશ્ર ઋતુનું વાતાવરણ જોવા મળે છે, શહેરમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે, ઋતુ બદલાતા તાવ, શરદી, ઉધરસના કેસો પણ વઘ્યા છે, જામનગર શહેર અને ગામડામાં કમળાના દર્દીઓનું પ્રમાણ વઘ્યું છે, આ વખતે શિયાળામાં ખાસ કોઇ ઠંડી પડી નથી. ધીમે-ધીમે ઠંડી વધતી જાય છે ત્યારે જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે, જો કે હજુ પણ બપોરના ભાગમાં ગરમી જોવા મળે છે, જો ઠંડી પડે તો જી‚, બાજરી, ઘઉં, ચણા જેવા શિયાળુ પાકને પણ ફાયદો થાય તેમ છે.


બે દિવસ પહેલા દ્વારકા, કલ્યાણપુર પંથકના તેમજ ખંભાળીયાની આજુબાજુના વિસ્તારમાં પલ્ટો આવ્યો હતો અને છ જેટલા ગામોમાં ધીમી ધારે વરસાદ પણ શરૂ થયો હતો, કમોસમી વરસાદને કારણે ખેડુતોની ચિંતામાં વધારો થયો છે, ધાણા, ચણા, ઘઉં, મગફળી, કપાસ, જી‚ સહિતના પાકોમાં નુકશાન થવાની પણ ભીતિ સેવાઇ રહી છે. 


લઘુતમ તાપમાનમાં નજીવો ફેરફાર નોંધાયો હોવા છતાં ગઇકાલ કરતા જામનગર શહેર-જિલ્લમાં આજે ઠંડીનો ચમકારો વધારે જોવા મળ્યો હતો, પોષ મહીનામાં માવઠુ પડવાથી શહેર તથા જિલ્લાના ખેડુતોએ કરવામાં આવેલ રવિ પાકને નુકશાની થવા પામી છે, દિવાળી સમયે પણ માવઠુ પડયું હતું અને ઇસુના નવા વર્ષના પૂર્વે જ માવઠુ પડવાથી ખેડુતોના હાલ બેહાલ બન્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application