રાજકોટમાં દરરોજ ૩૮ આવશ્યક ચીજનાભાવનું મોનિટરિંગ કરવા કલેક્ટરનો આદેશ

  • May 10, 2025 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો સરળતાથી મળી રહે તે માટેનું સુદ્રઢ વ્યવસ્થાતંત્ર ગોઠવવાના દિશાનિર્દેશો આપ્યા છે. જે અન્વયે જિલ્લા વહીવટી તંત્ર સતર્ક રહીને કાર્ય કરી રહ્યું છે.

રાજકોટ જિલ્લા પુરવઠા કચેરીએ આ માટે પૂરતા પ્રબંધ કર્યા છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. આ માટે રાજકોટ જિલ્લામાં દરરોજ ૩૮ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી (સ્ટોકિંગ) અથવા જમાખોરી (હોલ્ડિંગ) ન થાય તે માટે તમામ વિક્રેતા, રિટેલર, પ્રોસેસર, મિલર અને ઇમ્પોર્ટરશ્રીઓને જરૂરી કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે.

જો કોઈ વ્યક્તિ કે સંસ્થા આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જોવા મળશે, તો તેમના વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુમાં જણાવાયું છે કે, જિલ્લામાં પેટ્રોલના સ્ટોક અંગે કોઈ પ્રશ્ન નથી. પેટ્રોલનું કોઈ પણ સ્ટોરેજ ન કરે તે બાબતે ઓઇલ કંપનીઓને સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ વર્ષમાં ખાદ્ય પદાર્થોનો છૂટક ફુગાવો (રીટેલ ઈન્ફ્લેશન) હાલ સૌથી ઓછા સ્તરે છે. એટલું જ નહિ, તમામ આવશ્યક ખાદ્ય પદાર્થોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તે ઉપરાંત, ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ ચાલુ છે.

આ સમગ્ર બાબતોને ધ્યાને લઇને તમામ નાગરિકો કોઈ પણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહીં અને રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટીતંત્ર પર વિશ્વાસ સાથે સંપૂર્ણ સહકાર આપે, તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application