ઝેરી દવા અને રસાયણોના છંટકાવ થતા હોવાથી કર્યુ છેદન: વનવિભાગ

  • May 20, 2025 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના બરડા ડુંગરમાં વન વિભાગે પેશકદમીની જગ્યામાં આંબાનું આડેધડ છેદન કરતા તેની સામે સિવિલ કોર્ટમાં દાવો દાખલ થયો છે ત્યારે રહી રહીને હવે જંગલ ખાતાએ વિધિવત પ્રેસનોટ જાહેર કરીને આ પ્રકારની કામગીરી શા માટે કરી? તેની સ્પષ્ટતા કરી છે.
પોરબંદર વન વિભાગની ક્ષેત્રીય રાણાવાવ રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારના બરડા અભયારણ્યના ખંભાળા ડેમની પાછળના ભાગમાં જંગલ ખાતા હસ્તકની ૨૦ હેકટર જમીનમાં ૨૪ ઇસમો દ્વારા ગેર-કાયદેસર પેશકદમી કરી વાવેતર તેમજ દબાણ કરવામા આવ્યુ હતુ. બરડા અભયારણ્યના ખંભાળા ડેમની પાછળના વિસ્તારમાં કુદરતી રીતે ઉગેલ ઝાડ તથા અન્ય વનસ્પતિ જે અનેક વન્યપ્રાણીના રહેઠાણ હોય તે કાપી સાફ સફાઇ કરી ખેડાણ કરી જમીન લેવલ કરી અને નાણાકીય લાભ મેળવવાના હેતુથી આંબાના રોપાનું વાવેતર કરવામાં આવ્યુ હતુ. ઉપરાંત આ વાવેતરના રક્ષણ માટે ઝટકા તથા લોખંડના તાર ફેન્સીંગ અને વાડ કરવામાં આવી હતી. તેમજ વાવેતરમાં સિંચાઇ માટે દિવસ તથા રાત્રીના સમય દરમ્યાન ડીઝલ પંમ્પ (મશીન) દ્વારા પ્લાસ્ટીકની પાઇપ પાથરી અને પીયત કરવામાં આવતુ હતુ અને  આંબાના રોપાઓની જાળવણી માટે રાસાયણી દવા તથા પેસ્ટીસાઇડનો છંટકાવ કરવામાં આવતો જે આજુબાજુની જીવ સૃષ્ટિ માટે હાનિકારક હતો. 
આ વિસ્તારમાં અમુક સ્થળો પર કુદરતી વૃક્ષો અને વનસ્પતિ કાપી જમીન સાફ કરી વાડ કરવામાં આવી હતી જેથી આગામી ચોમાસામાં નવુ વાવેતર અને ખેડાણ લઈ શકાય.આવી પ્રવૃતિઓ બરડા અભયારણ્યમાં વસવાટ કરતા સિંહ તથા અન્ય વન્યપ્રાણીઓના રહેઠાણ તથા પાણી પીવા અને અવર જવર માટે અવરોધક અને હાનિકારક હોય જેથી ઉપર જણાવ્યા મુજબના કૃત્યમાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમોની જોગવાઇ અનુસાર આ બાબતે ગુન્હાઓ નોંધવામાં આવ્યો છે.
બરડા મેનેજમેન્ટ પ્લાનની જોગવાઇ મુજબ સ્થાનીક પ્રજાતિના રોપાના વાવેતરને પ્રોત્સાહન કરવા બાબતેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે.પરંતુ આ પેશકદમી/દબાણ કરેલ જમીનમાં મોટા પ્રમાણમાં આંબાના રોપાઓનુ વાવેતર કરવામાં આવેલ હતુ જે રોપા કોઇ લોકલ પ્રજાતિના ન હતા,હોસ્ટીકલચર પ્રજાતિના રોપા હોય.આ ૨૪ ઇસમો દ્વારા બહારના ભાગેથી આ આંબાઓના રોપા લાવી અને બિનકાયદેસર રીતે વાવેતર કરવામાં આવ્યુ હતુ.આ બહારની પ્રજાતિના આંબાના રોપા હોરટીકલચર પ્રજાતિ હોય જંગલ વિસ્તારમાં સ્થાનિક ઇકો સીસ્ટમને અનુકુળ ન હોય, જેથી ૦ થી ર વર્ષના અંદાજીત ૧૬૦૦ આંબાના રોપા તથા ૩ થી ૪ વર્ષના અંદાજીત ૩૨૫ આંબા દુર કરવામાં આવ્યા હતા. 
ઉલ્લેખનીય છે. કે,વન વિભાગ દ્વારા આ વાવેતર તેમજ દબાણ હટાવી આ સ્થળ પરની જમીનમાં બરડા મેનેજમેન્ટ પ્લાનની જોગવાઇ મુજબ વન્યજીવોના ખોરાક અને ઇકો સીસ્ટમ માટે ૩,૦૦૦ જેટલા વડ, કરમદા, ખાખરા, રાયણ, લીમડા, ઉંમરા તથા અન્ય સ્થાનિક પ્રજાતિના રોપાનું વાવેતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવ્યુ છે.બરડા અભયારણય જંગલમાં જયારે ૧૪૩ વર્ષ બાદ ગુજરાતનું ગૌરવ એશીયાટીક સિંહનુ આગમન થયેલ હોય, અને હાલ ગુજરાત સરકાર દ્વારા જયારે બરડા અભયારણ્યને સિંહોના બીજા ઘર તરીકે સ્થાપિત કરવાની દિશામાં પગલા લેવાય રહ્યા હોય ત્યારે આવા ગેર ધોરણના કૃત્ય જો આજે રોકવામાં ન આવે તો ભવિષ્યમાં આવા ઇસમોને જંગલની જમીનમાં પેશકદમી, વાવેતર અને વાડાઓ કરવાનો એક મોકળો માર્ગ મળી જાય તેમ હોય જેથી આ બરડા અભયારણ્યની જમીનમાં કરવામાં આવેલ વાવેતર તેમજ દબાણ  ફકત બરડા અભયારણ્ય જંગલ ભાગમાં વસવાટ કરતા નાના-મોટા વન્યપ્રાણીઓના હિતમાં અને તેના રહેઠાણના સંરક્ષણ અને સંવર્ધન માટે દુર કરવામાં આવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News