જામનગર : ધરારનગર-૧ કોલેરાગ્રસ્ત: ત્રણ કેસ પોઝીટીવ નીકળતા હડકંપ

  • February 09, 2026 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના ધરારનગર ૧માં ગંદુ પાણી પીવાના કારણે ૨૬ લોકોને ઝાડા ઉલ્ટી થતા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દર્દીઓના લેવાયેલા સેમ્પલમાં ત્રણ લોકોને કોલેરા પોઝીટીવ હોવાનો ધડાકો થતા હડકંપ મચી ગયો છે. આટલુ જ નહિ હજુ અન્ય સેમ્પલોની તપાસ ચાલી રહી છે ત્યારે વધુ કોલેરાના કેસ નોંધાઇ તેવી પૂરેપુરી શકયતા છે. બીજી બાજુ કોલેરાના કેસ નોંધાતા આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવાની તજવીજ પણ ચાલી રહી છે. કોલેરાના કેસ આવતા જામ્યુકોના અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. 


જામનગર શહેરના ધરારનગર-૧ વિસ્તારમાં ગટર મિશ્રિત પાણી પીવાથી ૨૬ વ્યક્તિઓને ઝાડા-ઉલ્ટી થતા તમામને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાતા ભારે દોડધામ મચી ગઇ હતી. આ બનાવના પગલે  મ્યુ.તંત્રની આરોગ્ય ટીમ પણ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં અવાર-નવાર પીવાના પાણીમાં ગટર મિશ્રિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે રવિવારે સવારમાં શહેરના ધરારનગર-૧ વિસ્તારમાં કોર્પોરેટર કાસમભાઈના ઘરની આજુબાજુના વિસ્તારોના લોકોને ઝાડા-ઉલ્ટીઓ થવા લાગતા  અફડા-તફડી મચી ગઈ હતી. જેમાં અસરગ્રસ્ત મહિલાઓ, બાળકો, યુવાનો અને વૃધ્ધો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

​​​​​​​

એક જ વિસ્તારના ૨૬ જેટલા વ્યક્તિઓ જી.જી.હોસ્પિટલમાં દાખલ થતાં ડોકટરોમાં દોડધામ મચી ગઇ હતી.  મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને પણ જાણ થતાં મ્યુ.તંત્રના એપેડેમિક ઓફીસર ડો.જયવીન ભુવા સહિતની ડોકટરની ટીમ વિસ્તારમાં તેમજ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી. અને દર્દીઓના તથા પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જામ્યુકોની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. જેમાં ધરારનગર વિસ્તારમાં ગટરની લાઈન લીકેજ થવાથી પીવાના પાણીની પાઈપ લાઈનમાં ભળી જતું હોવાથી, તે પાણી લોકોએ પીતા ઝાડા-ઉલ્ટીઓના કેસ નોંધાયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.


બીજી બાજુ અસરગ્રસ્ત લોકોના સેમ્પલોની તપાસમાં ત્રણ દર્દીને કોલેરા પોઝીટીવ હોવાનો ધડાકો થયો છે. જયારે અન્ય સેમ્પલોની તપાસ ચાલી રહી હોવાનું અંતરંગ સુત્રોએ જણાવ્યું છે. ત્યારે હજુ વધુ કોલેરાના કેસ નોંધાય તેવી શકયતા નકારી શકાતી નથી. તદઉપરાંત આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application