જિલ્લા વહિવટી તંત્ર તથા ગુજરાત ગેસ લી. જામનગર દ્વારા ગેસ લીકેજ તથા આગની દુર્ધટનાને પહોંચી વળવા મોકડ્રિલનું આયોજન
જામનગર તા.૨૯ માર્ચ, ગુજરાત ગેસ લિમિટેડ જામનગર દ્વારા જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન તથા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી તા.૨૯/૦૩/૨૦૨૫ ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે ઠેબા ચોકડી પાસે આવેલ રાધિકા સ્કૂલ નજીક ગેસ લીકેજ તથા આગની દુર્ધટનાને પહોંચી વળવા મોકડ્રિલનું આયોજન કરાયું હતું.
આયોજિત સમયની અગાઉથી કોઈને પણ જાણ કર્યા વિના યોજાયેલ સમગ્ર મોકડ્રીલની વિગતો જોઈએ તો શહેરની રાધિકા સ્કૂલ પાસે કોઈ અજાણ્યા વાહન દ્વારા ખોદકામ કરતી વખતે ગેસની પાઈપલાઈનમાં ભંગાણ થતા ખામી સર્જાઈ હતી અને જેનાં કારણે ગેસ નીકળવા લાગેલ. તેમજ થોડીવાર પછી તેમાંથી આગ લાગવાનો બનાવ બનેલ.જે અન્વયે ગુજરાત ગેસ લી. દ્વારા ત્વરીત કામગીરી હાથ ધરાઈ પરંતુ આગ કાબુમાં ન આવતા ડિસ્ટ્રીકટ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા ધ્યાને લઈ તાત્કાલિક કન્ટ્રોલ રૂમ દ્વારા પોલીસ વિભાગ, ફાયર સ્ટેશન, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ૧૦૮ એમ્બ્યુલન્સ, મ્યુચ્યુઅલ એઇડ સ્કીમ (MAS) ના કન્ટ્રોલ રૂમમાં જાણ કરાઈ હતી. સંદેશ મળતાની સાથે જ સંબધિત તમામ વિભાગો આધુનિક વાહનો તથા ઉપકરણો સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવ્યો હતો.તેમજ પાઈપલાઈનમાંથી થતો ગેસ લીકેજ અટકાવ્યો હતો.કામગીરી પુર્ણ થતા જ આ સમગ્ર પ્રક્રિયાને મોકડ્રીલ જાહેર કરાઈ હતી.
આ સમગ્ર મોકડ્રીલ દરમિયાન શહેર મામલતદાર, EMRI ટીમના પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર, ફાયર સ્ટેશન ઓફિસર, પોલિસ ઇન્સપેક્ટર, ફેક્ટ્રી ઇન્સ્પેકટર અને MAS ના સભ્યો હાજર રહેલ. અને તમામ સંબધિત વિભાગો દ્વારા ત્વરિત અને અસરકારક કામગીરી કરવામાં આવેલ. મોકડ્રીલ પૂર્ણ થયા બાદ નિરીક્ષકોના ધ્યાનમાં આવેલ ત્રુટીઓ વિશે સૌને માહિતી આપવામાં આવી તેમજ તે અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી મોકડ્રીલને પૂર્ણ જાહેર કરવામાં આવેલ.