સલાયામાં માછીમારોની હડતાળનું ત્રીજા દિવસે સુખદ સમાધાન

  • January 24, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સલાયા માછીમાર મંડળી તેમજ માછીમારો દ્વારા સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ અંગે વિરોધ નોંધાવી હડતાળ કરી હતી.જેમાં અંદાજે ૬૦૦ થી ૭૦૦ જેટલા માછીમારો હડતાળમાં જોડાયા હતા. ત્રણ દિવસ મંડળીની ઓફિસ બહાર બંદર ઉપર માંડવા બાંધી અને માછીમારો હડતાળ ઉપર બેઠા હતા. જેના લીધે બંદર ઉપર સન્નાટો છવાયો હતો.જે બાબતે વર્તમાનપત્રો તેમજ ઇલેક્ટ્રિક મીડિયામાં સમાચારો પ્રસિદ્ધ થયા હતા.


આ પ્રશ્નનું નિરાકરણ લાવવા જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના તેમજ જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી કરમટા, ડીવાયએસપી  વિસ્મય માનસાતા તેમજ ફિશરીઝના અધિકારી હડતાળની છાવણીએ પહોંચ્યા હતા. અધિકારીઓ દ્વારા માછીમાર આગેવાનો સાથે બેઠક યોજી હતી. 


જેમાં મુખ્ય માંગણીઓમાં બોટ અને કોલના લાઇસન્સ રિન્યુ સમયસર ન થતા હોય તેમજ આ કામગીરી માટે ઓખા સુધી જવું પડતું હોય એ પ્રશ્ન હતો. જે બાબતે અધિકારી દ્વારા અઠવાડિયામાં એક વખત અહીં ફિશરીઝના અધિકારી સલાયા આવશે અને આ પ્રક્રિયા સલાયામાં થઈ જશે જેથી એ મુદ્દે સમાધાન થયું હતું. 


પોલીસ દ્વારા પણ અભણ માછીમારો સાથે સુમેળ ભર્યું અને સરળ વર્તન કરી અને કાયદા વિષે માહિતગાર કરી અને કાયદાનું પાલન કરવામાં આવશે. તેમજ મત્સ્ય ઉદ્યોગના રિયલ ક્રાફટ સોફ્ટવેરમાં બોટના કલર અપડેટ અને લંબાઈ પહોળાઈ બાબતે તેમજ રિન્યુ તેમજ નામ ચેન્જ બાબતે અપડેટ પ્રક્રિયામાં આવતા પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવા સકારાત્મક વલણ અપનાવ્યું હતું. 


તેમજ  રિયલ ક્રાફટ સોફ્ટવેરમાં કામ કરી શકે એ માટે અવર્નેસ કેમ્પ યોજી માછીમારોને માર્ગદર્શન આપવા પણ રજૂઆત કરાઈ હતી.જે માટે માછીમારોને માર્ગદર્શન મળી રહે એવા કેમ્પનું આયોજન પણ કરાશે. જ્યારબાદ અમુક માંગણીઓ જે નીતિવિષયક હોય જે બાબતે યોગ્ય રજૂઆત ઉપર કરવામાં આવશે એવી ખાતરી અપાઈ હતી. 
​​​​​​​

આમ માછીમાર સમાજના મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ થતા માછીમાર મંડળીના પ્રમુખ સિદીકભાઈ જસરાયા દ્વારા આ હડતાળ પૂર્ણ કરવા તમામને જણાવ્યું હતું. જેથી આ હડતાળ સંપૂર્ણ પૂર્ણ જાહેર કરાઈ હતી અને આજથી રાબેતા મુજબ ફિશીંગ ચાલુ કરવા જણાવ્યું હતું. આ હડતાળમાં માછીમારો સાથે રહેનાર વેપારી મિત્રો, એસોસિયેશન, તેમજ અન્ય સંસ્થાઓનો માછીમાર મંડળીના પ્રમુખ સિદીકભાઈ જસરાયાએ આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application