સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડાયો : ટેન્કની સફાઇ માટે ચાર કામદાર ગયેલા: યુનિયનના આગેવાનો સહિતના દોડી ગયા
જામનગરમાં ઉધોગનગર વિસ્તારમાં એક કારખાનાની સેફટી ટેન્કની સફાઇની કામગીરી દરમ્યાન ગેસ ગળતરની અસર થતા એક શ્રમીકને બેભાન અવસ્થામાં સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે, આ અંગેની જાણ થતા યુનીયનના આગેવાનો સહિતના હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા અને આ મામલે આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
જામનગરના ઉધોગનગર વિસ્તારમાં એક કારખાનાની સેફટી ટેન્ક સફાઇ કરવા માટે ગઇકાલે બપોર બાદ ચાર કામદારો શની રમેશભાઇ વાઘેલા, હસમુખભાઇ કબીરા, કલ્પેશ મકવાણા અને શૈલેષભાઇ વાઘેલા ગયા હતા અને સેફટી ટેન્કની સફાઇ કામગીરી દરમ્યાન ગેસ ગળતર થતા દોડધામ મચી ગઇ હતી, દરમ્યાન બહાર નીકળતી વેળાએ શની રમેશભાઇ વાઘેલા નામના કામદારને અસર થતા તેઓ બેભાન થઇ ગયા હતા અને આજુબાજુના શ્રમીકો દોડી આવ્યા હતા, તુરંત ૧૦૮ને જાણ કરવામાં આવી હતી.
૧૦૮ મારફત અસરગ્રસ્ત શ્રમીકને તાત્કાલીક જી.જી. હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જયાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યુ હતું બીજી બાજુ આ બનાવની જાણ થતા રાષ્ટ્રીય સફાઇ કર્મચારી મજદુર યુનીયનના ઉપાઘ્યક્ષ અમિતભાઇ પરમાર અને જામનગર શહેર પ્રમુખ મહેશભાઇ બાબરીયા તાકીદે દોડી ગયા હતા અને શ્રમીકના પરિવાર સાથે રહીને તાત્કાલીક ધોરણે તમામ પ્રકારની કાર્યવાહી કરવા માટે હાજર રહયા હતા. બીજી બાજુ ઘટના સબંધે પોલીસ દ્વારા નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.