દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, સૌરાષ્ટ્રમાં હજુ છૂટાછવાયા ઝાપટાંનો જ માહોલ

  • July 20, 2026 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ચોમાસાનો ધોરી માસ ગણાતા અષાઢ મહિનામાં પણ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદનો માહોલ હજુ જામ્યો નથી. રવિવારે સવારે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના માત્ર ૩૭ તાલુકામાં ઝાપટાથી માંડીને એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદ વરસ્યો હતો અને સુરત, તાપી તથા દમણના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો.

સોમવારે સવારે પણ સૌરાષ્ટ્રના કુંકાવાવ-વડિયા, કોડીનાર, માળિયા હાટીના, ચોટીલા, સાયલા, જેતપુર, બાબરા, ધારી, માળિયા મિયાણા, ધોરાજી, અમરેલી, રાણપુર સહિત અંદાજે ૧૫ તાલુકામાં એકથી નવ મીલીમીટર સુધીના હળવા વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે મોટાભાગના વિસ્તારો હજુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં મોનસૂન ટ્રફ શ્રીગંગાનગર, રોહતક, હરદોઈ, વારાણસી, રાંચી અને સાગર ટાપુ થઈ બંગાળની ખાડી તરફ વિસ્તરેલી છે. ઉત્તર ઝારખંડ અને નજીકના બિહાર ઉપર ઉપલા હવાના ચક્રવાતી પરિભ્રમણની અસર પણ યથાવત છે. પશ્ચિમી વિક્ષેપ દૂર થતાં ગુજરાત પ્રદેશમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમના પવનો પ્રવર્તી રહ્યા છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ જ્યારે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં કેટલાક સ્થળોએ વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાલાલામાં સૌથી વધુ ૨૭ મીમી વરસાદ નોંધાયો હતો. ઉપરાંત લીંબડીમાં ૧૮ મીમી, મેંદરડા અને જૂનાગઢમાં ૧૭-૧૭ મીમી, વાંકાનેરમાં ૧૪ મીમી, કોડીનારમાં ૧૧ મીમી, કેશોદ અને કુંકાવાવ-વડિયામાં ૧૦-૧૦ મીમી વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લામાં જેતપુરમાં ૮ મીમી, ધોરાજી અને જસદણમાં ૪-૪ મીમી તેમજ રાજકોટ શહેરમાં માત્ર ૧ મીમી વરસાદ નોંધાતા જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં હજુ પણ સંતોષકારક વરસાદની રાહ યથાવત રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application