જામનગરમાં ડિજિટલ એરેસ્ટનો ભોગ બની રહેલા એક વૃદ્ધ ને જામનગર સાયબર ક્રાઇમ પોલીસની ટીમે સમયસર મદદ કરીને તેમને આર્થિક નુકસાનથી ઉગારી લીધા હતા. સાયબર સાતીરોએ વૃઘ્ધને ફોન કરી ડરાવી, જુદી જુદી નકલી પોલીસની એજન્સીના નામે ધમકાવ્યા હતા અને સાત લાખની એફડી તોડાવી તમામ રકમ સોમવારે આપવાનું જણાવ્યુ હતું, પરંતુ સમયસરની સતર્કતા અને સાયબર પોલીસની કુનેહપુર્વકની કાર્યવાહીના કારણે સિનીયર સીટીઝનને શિકાર થતા આબાદ ઉગારી લેવામાં આવ્યા છે અને સાયબર સાતીરોનો ખેલ પોલીસે ઉંધો પાડયો છે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા તા. ૧૨/૧૦/૨૦૨૫ના રોજ, જામનગરમાં રહેતા એક સીનીયર સિટિઝન (ઉ.વ.૭૧)ને ડિઝીટલ એરેસ્ટ કરાયેલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.જે અંગે તેમની પુત્રી એ અમદાવાદ થી સાયબર હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરીને અરજી નોંધાવેલી હતી.જેને ધ્યાન પર લઇને મળેલ માહિતીના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, જામનગર તરફથી એક ટીમ સિનીયર સીટીજનના રહેણાક સ્થળે તાત્કાલીક મોકલવામાં આવી હતી.
સિનીયર સીટીઝનને એક અજાણ્યો કોલ આવ્યો હતો જેમાં તેમના બેન્ક ખાતાનો ટેરેરીસ્ટ ફંડીગમાં ઉપયોગ થાય છે એ પ્રકારની વાત કરીને ડરાવવામાં આવ્યા હતા, આમ વૃઘ્ધને ડીઝીટલ એરેસ્ટ કરી એક રૂમમાં પુરાઇ જવાની સુચના આપવામાં આવી હતી, એ પછી શિકારીઓએ વિડીયો કોલ કરી મુંબઇ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ઉપરાંત પોલીસની જુદી જુદી એજન્સીઓ બાબતે વાત કરી ડરાવી, ધમકાવી અને પૈસા આપવા જણાવ્યુ હતું.
સિનીયર સીટીઝન ડીજીટલ એરેસ્ટ સ્કેમનો ભોગ બનતા અને રૂમમાં પુરાઇ રહયા હતા તેમણે સાત લાખની એફડી તોડાવી લીધી હતી જો કે આ વાતની તેમના પુત્રીને કોઇપણ પ્રકારે જાણ થતા તેમણે સાયબર પોલીસનો સંપર્ક કર્યો હતો, અરજી મળતા જામનગર સાયબર પોલીસ હરકતમાં આવી હતી.
તપાસ દરમ્યાન જણાયું કે સીનીયર સિટિઝન સાથે હાલમાં પણ વિવિધ એજન્સીના નામે વિડીયો કોલ દ્વારા ડીઝીટલ અરેસ્ટનો પ્રય્તન કરી છેતરપિંડી કરવાનો પ્રયાસ ચાલુ હતો.
તેમને યોગ્ય રીતે સમજાવવામાં આવ્યા હતા અને વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેમણે તેમની તમામ એફ.ડી.ની રકમ તોડી પોતાના ખાતામાં જમા રાખી હતી, જે રકમ ફ્રોડ કરનારાને સોમવારે જમા કરાવવાની હતી. જે સામાવાળા ને નહીં આપવા યોગ્ય સમજ આપી અને સમયસર પગલાં લઈ તેમનો મોબાઈલ ફોન તથા બેંક ખાતાની તપાસ કરી ડિઝીટલ એરેસ્ટ તથા આર્થીક છેતરપિંડી થવા થી બચાવ કરવામાં આવ્યો હતો.
આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર આઇ.એ. ઘાસુરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ દર્શિત સિસોદિયા તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પરમાર દ્વારા રહેણાક સ્થળ પર જઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દિન પ્રતીદીન સાયબર ફ્રોડના બનાવ વધી રહયા છે લોકોને સાવચેત રહેવા અને સાવધાનથી વરતવા જણાવવામાં આવે છે. અવેરનેશના કાર્યક્રમો યોજાય છે, અજાણી લીંક, નંબર અને ઓટીપી નહી આપવા પણ જણાવવામાં આવે છે, અપીલ કરાય છે તેમ છતા લોકો સાયબર સાતીરોની ઝાળમાં ફસાય છે માટે આ દિશામાં લોકજાગૃતી દાખવવાની તાતી જરૂરીયાત છે.