જામનગર શહેર-જિલ્લામાં શિક્ષણ વિભાગના નિયમ મુજબ વિધાર્થીઓની ઓનલાઇન હાજરી ૫ૂરવાના નિયમોનો ઉલાળિયો કરનાર ૬૦ ખાનગી શાળાને નોટીસ ફટકારવામાં આવતા ચકચાર જાગી છે. ધો.૧થી ૮ના વિધાર્થીઓની સીટીએસ પોર્ટલ પર એન્ટ્રી અને હાજરીની વડી કચેરીની સૂચનાઓને ઘોળીને પી જતા સ્થાનિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા આ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાઇટ ટુ એજ્યુકેશન એકટ મુજબ ખાનગી અને અનુદાનિત શાળાઓએ શિક્ષકો અને વિધાર્થીઓની દૈનિક હાજરી ભરવી ફરજીયાત છેે. શાળાઓ પુન: છાત્રો અને વિધાર્થીઓની હાજરી પૂરવામાં બેદરકારી દાખવશે તો જિલ્લા કચેરી જવાબદાર રહેશે.
રાઇટ ટુ એજયુકેશન એકટ મુજબ ૬ થી ૧૪ વર્ષના વયજૂથના તમામ બાળકોનું નામ, રહેઠાણનો વિસ્તાર, જન્મ તારીખ, શાળામાં દાખલ તારીખ સહીતની વિગત સાથેનું રેકર્ડ રાખવાની જોગવાઇ કરવામાં આવી છે. તદઉપરાંત શિક્ષણ વિભાગના ઠરાવથી રાજયની તમામ શાળાઓમાં ધો.૧ થી ૮ માં અભ્યાસ કરતા બાળકોના યુનીક આઇડી નંબરનો શૈક્ષણીક દસ્તાવેજમાં ફરજીયાતપણે નોંધવા કે ઉલ્લેખ કરવા ઠરાવવામાં આવ્યું છે. આથી વિધાર્થીઓની શૈક્ષણીક વિગતોનું ટ્રેકીંગ કરી શકાય. જે અન્વયે સમગ્ર શિ કચેરી દ્વારા સંચાલીત આધાર ડાઇસ ચાઇલ્ડ ટ્રેકીંગ સિસ્ટમ(સીટીએસ) તથા ઓનલાઇન એટેન્ડન્સ સિસ્ટમ પોર્ટલ પર ધો.૧ થી ૮ માં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓની એન્ટ્રી તથા નિયમિત હાજરી દર્શાવવા અર્થે વખતોવખત સમગ્ર શિક્ષા કચેરી મારફત સૂચના આપવામાં આવી છે. આમ છતાં, જામનગર સહીત રાજયભરમાં ખાનગી તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓ દ્રારા વિધાર્થીઓ અને શિક્ષકોની પોર્ટલ પર હાજરી પૂરવાની કાર્યવાહી નિયમિત રીતે કરવામાં ન આવતી હોવાની ગંભીર બાબત રાજયની પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની ઘ્યાનમાં આવી હતી.
આથી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્રારા જામનગર સહીત રાજયના તમામ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને ૨૨ સપ્ટેમ્બરના પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીના તાબા હેઠળની ખાનગી તથા અનુદાનીત પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધો.૧ થી ૮ ના તમામ બાળકોની સમગ્ર શિક્ષા કચેરી દ્રારા સંચાલીત આધાર ડાઇસ ચાઇલ્ડ ટ્રેકીંગ સિસ્ટમ તથા ઓનલાઇન એટેન્ડન્સ સિસ્ટમ પોર્ટલ પર ધો.૧ થી ૮ માં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓની એન્ટ્રી તથા નિયમિત હાજરી ભરવા ખાનગી અને અનુદાનીત શાળાઓને તાકીદે સૂચના આપવા જણાવ્યું હતું. આટલું જ નહીં આ ગંભીર બાબતની સમયાંતરે સમીક્ષા કરવા પણ તાકીદ કરવામાં આવી છે. તદઉપરાંત જે શાળાઓ દ્વારા આ કામગીરી નિયમિત રીતે કરવામાં આવતી ન હોય તે શાળાઓ સામે શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર દંડનીય જોગવાઇ અનુસાર કાર્યવાહી કરવા પણ આદેશ કરાયો છે.
ખાનગી અને અનુદાનીત શાળાઓમાં ધો.૧ થી ૮ના બાળકોની સીટીએસ પોર્ટલ પર એન્ટ્રી તથા વિધાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઇન એટેડન્સ સીસ્ટમમાં નિયમિત હાજરી ન પૂરતી જામનગર શહેર-જિલ્લાની ૩૬૧ માંથી ૬૦ ખાનગી શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારી દ્રારા નોટીસ ફટકારવામાં આવી છે. આથી શિક્ષણ જગતમાં ભારે ચકચાર જાગી છે. આટલું જ નહીં જો ખાનગી શાળાઓ પુન: છાત્રો અને શિક્ષકોની ઓનલાઇન હાજરી તથા સીટીએસ પોર્ટલમાં એન્ટ્રીમાં બેદરકારી દાખવશે તો તેની જવાબદારી સ્થાનકિ જિલ્લા કચેરીની રહેશે તેમ પણ પરિપત્રમાં જણાવાયું છે.
૯૦૦ વિધાર્થીઓની શિષ્યવૃતિ અને ગણવેશ સહાયની દરખાસ્ત પેન્ડીંગ, આચાર્યોની ઘોર બેદરકારી
રાજયની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્રારા જામનગર સહીત રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને પાઠવેલા પરિપત્રમાં ચોંકાવનારી બાબત બહાર આવી છે. જે અનુસાર જામનગર શહેર-જિલ્લામાં વષૅ ૨૦૨૫-૨૬માં ધો.૧ થી ૮ ના ૯૦૦ વિધાર્થીની શિષ્યવૃતિ અને ગણવેશ સહાયની દરખાસ્ત કરવાની હજુ બાકી છે. આથી આચાર્યોની ઘોર બેદરકારી પ્રકાશમાં આવી છે. બીજી બાજુ આ પરિપત્ર અનુસાર વર્ષ ૨૦૨૫-૨૬માં ધો.૧ થી ૮ના અંદાજીત ૬.૧૧ લાખ અને બાલવાટીકાના ૪૭૧૬૧ વિધાર્થીઓની શાળા કક્ષાએથી દરખાસ્ત બનાવી તેઓના હસ્તકની કચેરીને મોકલવાની બાકી છે.
કાયદાના ભંગ સબબ રૂ. ૧૦૦૦૦-૫૦૦૦૦૦ દંડ તથા શાળાની માન્યતા રદની જોગવાઇ
રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ સીટીએસ પોર્ટલમાં વિધાર્થીઓની એન્ટ્રી તથા શિ કો અને છાતોની દૈનિક ઓનલાઇન હાજરીનો ભંગ કરનાર ખાનગી તથા અનુદાનીત શાળાઓ સામે દંડનીય જોગવાઇ પણ છે. જે અનુસાર પ્રથમ વખત રૂ. ૧૦૦૦૦, બીજી વખત રૂ. ૨૫૦૦૦, ત્યારબાદ રૂ. ૫૦૦૦૦૦ અને શાળાની માન્યતા રદ સુધીની જોગવાઇ છે. ત્યારે હાજરી અને પોર્ટલ પર એન્ટ્રીના નિયમના ભંગ સબબ જિલ્લા શિ ણાધિકારી કચેરી દ્વારા ૬૦ ખાનગી શાળાને બે-બે વખત નોટીસ ફટકારવામાં આવી છે.