આજે જામનગરમાં ટ્રેડ યુનિયનોની હડતાળ: રૂ.૨૫૦ કરોડનું કલીયરીંગ ઠપ્પ

  • February 12, 2026 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે બેંક કર્મચારીઓ, એલઆઇસી અને વીજ કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સબબ ટ્રેડ યુનિયનો દ્વારા હડતાળ રાખવામાં આવી છે. કેન્દ્રની નીતિના વિરોધમાં આજે જામનગર જિલ્લાનાં ૧૫૦૦ બેંક કર્મચારીઓ હડતાળ પર છે. ગઇકાલે લીમડાલાઇનમાં આવેલ યુકો બેંક પાસે હડતાળનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જયારે વીમા કર્મચારીઓને પીજીવીસીએલના કર્મચારીઓ પણ હડતાળ રાખવામાં આવી છે.  જામનગરમાં આજની હડતાળને કારણે ૨૫૦ કરોડનું કલીયરીંગ ઠપ્પ થઇ જશે. 


બેંક યુનિયનના અગ્રણી કુલીંગ ધોળકીયાના જણાવ્યા મુજબ આજરોજ ૨૫ કરોડ કામદારો, મજુર સરકારની લોક વિરોધનીતિને કારણે હડતાળ પર જાય છે. આ હડતાળનો મુખ્ય વિરોધ ચાર લેબર કોડને અમલમાં મુકવાની સામે છે. જેમાં મુખ્યત્વે વર્ષોથી મેળવેલ કામદારનાં હકને છીનવી લેવાની વાત છે. જો આ લેબરકોડ લાગુ થઇ જશે તો હડતાળ પાડવાનો હકક પણ છીનવાઇ જાશે અને કરારી નોકરી, આઉટ સોર્સીંગ અને ફીકસ વેતનનો ઉદય થશે, નોકરીનાં કલાકો વધશે, કામદાર, મજુર, ખેતમજુર જેવા લોકોનુ શોષણ થશે અને તેમનું જીવન દોહ્યલું થશે.



બેંક કર્મચારીની શું માંગ છે ? જોઇએ તો સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા ખાનગીકરણનો વિરોધ પાંચ દિવસનું સપ્તાહ કરવા, કોન્ટ્રાકટર લેબર, ચાર લેબરકોડ વીજળી સુધારા બીલ અને મનરેગામાં ફેરફાર સામે વિરોધ, બેંકમાં પુરતી ભરતી કરવી, જુની પેન્શન સ્કીમની તરફણેમાં નેશનલ પેન્શન સ્કીમ પાછી ખેંચવી, બેંક લોનની રીકવરી, જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ રોકવુ, ઉપરાંત બેંકોની લોન લઇને નહિં ચુકવનારા પાસે રૂ. ૮૫ હજાર કરોડનું લેણુ બાકી છે તે વસુલવું જોઇએ. 


વીજ કર્મચારીઓની તેવી માંગ છે કે આઉટસોર્સીંગ બંધ કરો, સીધી ભરતી દ્વારા નિયમિત જગ્યાઓ ભરવી, હાલના આઉટ સોર્સીંગના કર્મચારીઓ છે તેને કાયમી કરવા અને વીજ સુધારાબીલ ૨૦૨૫ અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય વીજળી નીતિ તાત્કાલિક પાછી ખેંચી લેવી.


જામનગરમાં આજે વીમા કર્મચારીઓ પણ હડતાળ ઉપર છે. તેની મુખ્ય માંગમાં એલઆઇસી વર્ગ ૩-૪ની ખાલી પડેલી હજારો જગ્યામાં ભરતી કરવી, એલઆઇસીનો આઇપીઓ માર્કેટમાં ફરી લાવી સરકારના હિસ્સાનું વેંચાણ કરવાની તજવીજનો વિરોધ અને એલઆઇસી શાખાઓના બીલ્ડીંગના પ્રશ્ર્નો તથા કર્મચારીઓના અણઉકેલ પ્રશ્ર્નોનું નિવારણ કરવું. 


રાષ્ટ્રીયકૃત બેંકોની આજની હડતાળના કારણે જામનગર જિલ્લામાં પણ ચેકના કલીયરીંગ પર ભારે અસર પડશે અને લગભગ અઢીસો કરોડનું કલીયરીંગ અટકી જશે. જેમ ગઇકાલે સાંજે બેંક કર્મચારીઓએ લીમડાલેનમાં આવેલ યુકો બેંક ખાતે સુત્રોચ્ચાર કર્યા હતા એવી રીતે આજે પીજીવીસીએલના કર્મચારીઓ પણ બપોરે ૨ થી ૨.૩૦ સુધી રીસેસના સમયમાં વિરોધ કરી સુત્રોચ્ચાર બોલાવશે. આમ જામનગર સહિત સમગ્ર હાલારમાં આજે બેંક કર્મચારીઓ, વીમા અને વીજ કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે. 

​​​​​​​

એલઆઇસી ઓફ ઇન્ડીયાના કર્મચારીઓની સજજડ હડતાલ

કેન્દ્ર સરકાર દ્વારા લેબર કોર્ટમાં કરાયેલા સુધારાઓ સામે દેશના ૧૦ રાષ્ટ્રીય સ્તરના ટોચના સંગઠનો દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડવામાં આવી હતી અને સરકારની નીતી સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ હડતાલમાં બેંકીંગ ક્ષેત્ર તથા એલઆઇસીના રાષ્ટ્રીય સ્તરના ટોચના અગ્રણી, કર્મચારી યુનિયનો એઆઇબીઇએ, એએલઇએ, એઆઇએલઆઇસીઇએફ, એઆઇબીઓએ અને બીઇએફટી જેવા સંગઠનો પણ આ હડતાલમાં જોડાયા છે, કર્મચારીઓ તથા મજદુરોનું હીત જોખમાય તેવા સુધારા કરવામાં આવતા અને ગણ્યા ગાઠયા કોર્પોરેટ ગૃહને ફાયદો થાય તેવી કેન્દ્ર સરકારની આર્થિક નીતીના વિરોધમાં આ હડતાલ પાડવામાં આવી છે, એલઆઇસી કચેરીઓમાં વર્ગ-૩ અને વર્ગ-૪ની હજારો જગ્યા માટે ભરતી કરવા, એલઆઇસીનો આઇપીઓ માર્કેટમાં ફરી લાવવા, સરકારના હિસ્સાનું વેચાણ કરવાની તજવીજના વિરોધમાં અને કર્મચારીઓના કેટલાક અણઉકેલ પ્રશ્ર્નો ઉકેલવા માંગણી કરવામાં આવી છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application