જામનગર  : જામ્યુકોના બજેટમાં સ્ટ્રીટલાઇટના કામની ભરમાર,અમલીકરણમાં અંધારા..!

  • February 07, 2026 06:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર મહાનગરપાલીકાના ડ્રાફટ બજેટમાં અન્ય વિકાસકાર્યોની જેમ સ્ટ્રીટલાઇટના કામની પણ ભરમાર દર્શાવામાં આવી છે. પરંતુ આ કાર્યોના અમલીકરણમાં અંધારાની સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, મોટાભાગના કામનું પુનરાવર્તન કરી શહેરીજનોને રીતસર મૂરખ બનાવામાં આવ્યા છે. સીમેન્ટ-ક્રોકીંટના જંગલો ઉભા કરતા અને વિકાસકાર્યોના દીવાસ્વપ્નો બતાવતા જામ્યુકોના જવાબદારો શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવામાં ઘોર ઉદાસીનતા દાખવી રહ્યા હોય તે મનપાના ડ્રાફટ બજેટમાં દર્શાવેલા સ્ટ્રીટલાઇટ સહીતના કામ પરથી પુરવાર થઇ રહ્યું છે. ત્યારે સ્ટ્રીટલાઇટના કામ સમયસર ન થતા હોય તો અન્ય સવલતના કામ શું પૂરા થશે તે અણીયારો સવાલ શહેરીજનોમાં ઉઠ્યો છે. બીજી બાજુ ચાલુ વર્ષના બજેટમાં માર્ગોને રોશનીથી સુશોભીત કરવા ૧ કરોડના કામ પૂર્ણ દર્શાવાયા છે પંરતુ કયાં કામ તેનો ઉલ્લેખ સુઘ્ધા ન કરી ગેરમાર્ગે દોરવામાં આવતા અનેક સવાલ ઉઠ્યા છે.


જામ્યુકોનું વર્ષ ૨૦૨૫-૨૬ના રીવાઇઝડ અને વર્ષ ૨૦૨૬-૨૭ના ડ્રાફટ બજેટ વિકાસકાર્યોના હવાઇકીલ્લા સમાન છે. કારણ કે, ઘણાં વિકાસકાર્યોનું પુનરાવર્તન કરી શહેરીજનોને ઉંઘા ચશ્મા પહેરાવાયા છે. આટલું જ નહીં અગાઉના બજેટમાં દર્શાવેલા વિકાસકાર્યોમાંથી અમુક કામની એક ઇંટ પણ મૂકાઇ નથી, ફકત જમીન ફાળવણી, ટેન્ડર પ્રક્રીયા સહીત કાગળ પર એટલે કે બજેટ પુરતા સીમીત રહ્યા છે.  આમ છતાં મહાનગરપાલીકાના સતાધીશો અને અધિકારીઓએ આગામી દીવસોમાં વિકાસકાર્યોના મસમોટા આયોજન દર્શાવી શહેરીજનોને હથેળીમાં ચાંદ બતાવ્યા છે. નવાઇની વાત તો એ છે કે, બજેટમાં કરોડના ખર્ચે દર્શાવેલા મોટા કદના વિકાસકાર્યો કે જે પૂર્ણ થતા સમય લાગે તે સમજી શકાય તેવી બાબત છે. પરંતુ સ્ટ્રીટલાઇટ સહીતના પ્રાથમિક સુવિધાના કામ કે જે અગાઉના બજેટમા દર્શાવેલા હોય તે પૂર્ણ ન થતા અને કોઇ પણ પ્રકારની શરમ અને સંકોચ વગર રીપીટ કરાતા શહેરીજનોમાં ભારે આક્રોશની સાથે અનેક સવાલ ઉઠ્યા છે. 


જામ્યુકોના વર્ષ ૨૦૨૪-૨૫ના રીવાઇઝડ અને વર્ષ ૨૦૨૫-૨૬ના ડ્રાફટ અંદરાજપત્રમાં શહેરના માર્ગોને રોશનીથી સુશોભીત કરવાના કામો અંતર્ગત સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસની ગ્રાન્ટમાંથી સમર્પણ સર્કલથી બેડી રીંગ રોડ ખાતે રૂ.૮૦ લાખના ખર્ચે સેન્ટ્રલ લાઇટ વર્ક, ગુલાબનગર ઓવરબ્રીજથી ઘુંવાવ સુધી રૂ.૫૦ લાખના ખર્ચે સેન્ટ્રલ લાઇટ વર્ક, ખંભાળીયા બાયપાસથી એરપોર્ટ ગેઇટ સુધી રૂ.૫૦ લાખના ખર્ચે સેન્ટ્રલ ક્ધવેન્શનલ લાઇટ વર્ક, નવા ભળેલા વિસ્તારો ખાતે આવેલી પ્રાઇવેટ સોસાયટીમાં રૂ.૫ કરોડના ખર્ચે લાઇટીંગ તથા આનુસંગીક કામગીરી, નવા રોડ તથા ડીપી રોડ ખાતે રૂ.૨ કરોડના ખર્ચે લાઇટીંગ વર્ક, જુદી-જુદી સેન્ટ્રલ લાઇટીંગ ખાતે રૂ.૨ કરોડના ખર્ચે નવા કેબલ, રી-સ્ટ્રકર તેમજ સ્ટ્રેન્ધનીંગ વર્ક, રૂ.૫૦ લાખના ખર્ચે નવી એલઇડી સ્ટ્રીટલાઇટ ખરીદી તથા ઇન્સ્ટોલેશન વર્કનો સમાવેશ કરાયો હતો. 


પરંતુ ઉપરોકત પૈકી મોટાભાગના કામમાંથી કેટલા થયા કેટલા પૂર્ણ થયા, બાકી છે તો શું સ્થિતિ છે તે દર્શાવાને બદલે ચાલુ વર્ષના એટલે કે વર્ષ ૨૦૨૬-૨૭ના ડ્રાફટ અંદાજપત્રમાંથી ગાયબ કરી દેવામાં આવ્યાનો ઘાટ સજાર્યો છે. કારણ કે, ચાલુ વર્ષના અંદાજપત્રમાં શહેરના માર્ગોને રોશનીથી સુશોભીત કરવા કુલ રૂ.૨.૩૦ કરોડના કામ પૈકી રૂ.૧ કરોડના કામ પૂર્ણ થયાનું દર્શાવામાં આવ્યું છે. જયારે બાકી રહેતા કામ ચાલુ વર્ષના નાણાંકીય વર્ષના અંત સુધીમાં પુૂર્ણ થશે તેવો ઉલ્લેખ કરાયો છે. આટલું જ નહીં નવા ભળેલા વિસ્તારો ખાતે આવેલી પ્રાઇવેટ સોસાયટીમાં લાઇટીંગ વ્યવસ્થાના રૂ.૫ કરોડના કામ પૈકી રૂ.૩ કરોડના કામો પૂર્ણ થયાનું અને બાકી રહેતા કામ ચાલુ નાણાંકીય વર્ષના અંતે સુધીમાં પૂર્ણ થયાનું દર્શાવાયું છે.


પરંતુ અગાઉના બજેટમાં દર્શાવેલા સમર્પણ સર્કલથી બેડી રીંગ રોડ, ગુલાબનગર ઓવરબ્રીજથી ધુંવાવ અને ખંભાળીયા બાયપાસથી એરપોર્ટ ગેઇટ સુધીના લાઇટ વર્કના કામો શરમ અને સંકોચ રાખ્યા વગર રીપીટ કરાયા છે. આ કામના કોઇ ઠેકાણા નથી ત્યાં ૪૯ દિગ્વીજય પ્લોટથી જ્ઞાન શકિત સર્કલ સુધી રૂ.૩૦ લાખના ખર્ચે સેન્ટ્રલ લાઇટીંગ વર્ક અને આશિર્વાદ દીપ બ્રીજથી રાજકોટ રોડ સુધી સેન્ટ્રલ લાઇટીંગ વર્ક રૂ.૩૦ લાખ તથા રાજકોટ રોડથી ધોરીવાવ સુધી ર.૪૦ લાખના ખર્ચે સેન્ટ્રલ લાઇટીંગ વર્ક કરવાના ઘોળે દીવસે તારા જેવા દાવા કરાયા છે. ત્યારે સ્ટ્રીટલાઇટ કે જેનો પ્રાથમિક સુવિધામાં સમાવેશ થાય છે તેના કામ સમયસર પૂર્ણ થતા નથી તો અન્ય પાયાની સવલતના કામ ખાખ પૂરા થશે તે સવાલ શહેરીજનો માં ઉઠ્યો છે. 


શહેરમાં શા માટે પોલ અને નવી સ્ટ્રીટલાઇટ નાખવામાં આવી, અંગતહીત કે ભ્રષ્ટાચારની બારી.?
જામનગરમાં મહાપાલીકા દ્રારા બજેટમાં દર્શાવેલા સ્ટ્રીટલાઇટના કામો સમયસર પૂરા ન થતાં હજુ પણ અનેક વિસ્તારોમાં રાત્રીના અંધારપટના કારણે શહેરીજનો ભારે હાલાકીના કારણે ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે મનપા દ્રારા થોડા સમય પૂર્વે પંચેશ્ર્વર ટાવરથી વિભાજી સ્કૂલ, ટાઉનહોલથી સાત રસ્તા સુધી કે જે માર્ગ પર સ્ટ્રીટલાઇટ હતી છતાં આ બંને માર્ગ પર મસમોટા ખર્ચે સ્ટ્રીટલાઇટના  નવા પોલ અને લાઇટ નાખવામાં આવી હતી. શહેરના ઘણાં વિસ્તારોમાં હજુ સ્ટ્રીટલાઇટનો અભાવ છે અને બજેટ સ્ટ્રીટલાઇટના કામ રીપીટ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ બંને માર્ગ પર કોઇના અંગતહીત ખાતર કે ભ્રષ્ટાચારની બારી ઉભી કરવા સ્ટ્રીટલાઇટ નાખવામાં આવી તે તપાસનો વિષય બન્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application