જામનગર : રણજીતસાગર રોડ પર ૨.૮૦ કરોડની જમીન પચાવી પાડયાની ૬ શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગ

  • February 09, 2026 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના રણજીતસાગર રોડ પર શહેર વિસ્તારમાં આવેલી સરકારી ખરાબા અને તેની આજુબાજુની નદી કાંઠાની વગર નંબરની કિંમતી જમીન ખોટા નકશા અને બોગસ વેચાણ કરાર ઉભા કરીને પચાવી પાડવામાં આવી હતી, અંદાજે ૨.૮૦ કરોડની આ કિંમતી જમીનના ૬૬ પ્લોટ પાડી ગરીબ અને મઘ્યમ વર્ગના લોકોને લલચાવી છેતરપીંડી કરી વેચાણ કરીને આર્થીક લાભ આરોપીઓએ મેળવ્યાનું સામે આવતા આ મામલે જામનગરના ૬ શખ્સો વિરુઘ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જેના આધારે ડીવાયએસપી દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો છે, અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળની કમિટી મળી હતી અને જુદા જુદા જમીન પ્રકરણો બાબતે આકરૂ વલણ દાખવીને કાયદેસરની કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા જે અંતર્ગત એક મામલો પોલીસ મથકે પહોચ્યો છે લેન્ડ ગ્રેબીંગની ફરીયાદથી ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.


મળતી વિગત મુજબ આરોપીઓએ જામનગર શહેર વિસ્તારમાં આવેલ રણજીતસાગર રોડ પર સરકારી ખરાબાનો રેવન્યુ સર્વે નં. ૧૧૨૫વાળી જમીન અને તેની આજુબાજુની નદી કાંઠાની વગર નંબરની જમીન મળી કુલ જમીન હે.આ.રે. ૮૫૮૬.૫૦ ચોમી આશરે કિ. ૨.૮૦ કરોડ વાળી જમીન આ કામના આરોપીઓ કાયદેસરના માલીક ન હોવાનું જાણવા છતા છળકપટ કરવાના ઇરાદે આ જમીનના ખોટા નકશા બનાવ્યા હતા.


તેમાં ૬૬ પ્લોટ પાડી જમીન પચાવી પાડી હતી અને આ જમીનમાં પાડેલ પ્લોટના ખોટા વેચાણ કરાર ઉભા કરી કિંમતી જામીનગીરીનો ખેલ ખોટી બનાવટ કરીને આ પ્લોટ ગરીબ અને મઘ્યમ વર્ગના માણસોને લલચાવી છેતરપીંડી કરી હતી. જામીનગીરીમાં ફેરવી વેચાણ કરારના આધારે વેચી નાખ્યા હતા. 


તે વેચાણ કરારના નાણાં મળ્યાની પહોંચ બનાવી આપી સરકારી ખરાબાની કિંમતી જમીન પચાવી પાડેલ જમીનનો ઇરાદાપુર્વક ઉપયોગ કરવાના હેતુથી વેચાણ કરી ગરીબ મઘ્યમ વર્ગોને ફાળવી દઇ તમામ આરોપીઓએ સમાન ઇરાદો પાર પાડી આર્થીક લાભ મેળવી ગુનો કર્યો હતો. 


દરમ્યાન જામનગર સરકારી વસાહત શરૂ સેકશન રોડ ખાતે રહેતા મામલતદાર શહેર કચેરીના સર્કલ પર ઓફીસર-૨ જીતેન્દ્રભાઇ એચ. પીપરીયાએ ફરીયાદી બની સીટી-એ ડીવીઝનમાં ઉપરોકત બનાવ સબબ જામનગરના દિ.પ્લોટ ઉધોગનગર વિસ્તારમાં રહેતા મનસુખ રતીલાલ ભટ્ટી, મસીતીયા વાડી વિસ્તારમાં રહેતા આમદ ઉમર ખફી, જોડીયાભુંગા દરગાહ પાછળ રહેતા નુરમામદ ઉર્ફે બોદુ દાઉદ ચાવડા, સાધના કોલોની બ્લોક એલ-૧૦/૨૩૫૬માં રહેતા રાજેશ કાંતીલાલ મારૂ, રણજીતસાગર રોડ, કૃષ્ણનગર શેરી નં. ૫માં રહેતા યજ્ઞેશ રતીલાલ રાણપરીયા અને મારૂ કંસારા હોલ પાછળ રહેતા જગદીશ ગણેશ ચોવટીયા નામના ૬ ઇસમો વિરુઘ્ધ આઇપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૨૦, ૩૪ અને ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ની કલમ ૪(૩), ૫(ક)(ગ) મુજબ ફરીયાદ નોંધાવવામાં આવી હતી જેની તપાસ શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ચલાવી રહયા છે.


અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ લેન્ડગ્રેબીંગ કમિટી કલેકટરના અઘ્યક્ષસ્થાને મળી હતી જેમાં કિંમતી જમીનો બાબતની અરજીઓ ઘ્યાન પર લઇને આ મામલે આકરૂ વલણ અપનાવ્યુ હતું અને તપાસ અંતે આ પ્રકારની અરજીઓમાં પાંચ મામલા સપાટી પર આવ્યા હતા અને જે તે વિભાગને લેન્ડગ્રેબીંગ હેઠળ ફરીયાદ માટેના નિર્દેશ આપ્યા હતા દરમ્યાન એક મામલો પોલીસમાં પહોચ્યો છે જયાં વિધિવત ૬ શખ્સો વિરુઘ્ધ ગુનો દાખલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application