જામનગરમાં નવરાત્રી પૂર્ણતાના આરે: ઝરમર-ઝરમર વરસાદથી મેઘાએ રંગમાં ભંગ પાડયો

  • October 01, 2025 12:48 PM 


જામનગર સહિત સમગ્ર હાલારમાં આ વખતે નવરાત્રી મહોત્સવ થોડો જામ્યો પરંતુ ત્રીજા નોરતે મેઘરાજાએ સબસબાટી બોલાવતાં તમામ ગરબીઓ બંધ રહી હતી, ગઇકાલે ફરીથી મેઘરાજાએ ઝરમર-ઝરમર વરસાદ વરસાવતા રંગમાં ભંગ પડયો હતો, સોફાસેટ, ખુરશી, મંડપ, લાઇટ, સિરીઝ અને અન્ય ચીજવસ્તુઓને ભારે નુકશાન થયું હતું, અવારનવાર ઝાપટાને કારણે રંગમાં ભંગ પાડયો હતો. આયોજકો અને બાળાઓ ભારે નિરાશ થયા હતાં, કેટલીક ગરબીમાં તો માત્ર આરતી કરીને ગરબી બંધ કરી દેવામાં આવી હતી, જો કે વરસાદ બંધ થઇ ગયો હતો પરંતુ મેદાનમાં માટી હોવાના કારણે કીચડ થઇ જતાં ખેલૈયાઓ રમી શકયા ન હતાં. 


નવરાત્રી પૂર્ણતાના આરે છે ત્યારે આ વખતે મેઘરાજાએ બે-ત્રણ દિવસ રંગમાં ભંગ પાડયો હતો, એક નોરતુ વધુ રમીશું તેવી ખેલૈયાઓની ઇચ્છા હતી, પરંતુ તેમની ઇચ્છા પુરી થઇ ન હતી અને આવતીકાલે મોટાભાગની નવરાત્રીમાં લ્હાણી વિતરણ અને અર્વાચીન ગરબીમાં ફાઇનલ રાઉન્ડ રમાડવામાં આવશે. જાણવા મળતી માહિતી મુજબ અમુક સ્થળોએ તા.૨ના બદલે તા.૩ના રોજ ફાઇનલ રમાડવાનું વિચારી રહ્યા છે. 

​​​​​​​


ગઇકાલે રણજીતનગર, પટેલસમાજ, શાકમાર્કેટ, સાધનાકોલોની, પટેલકોલોની સહિતના કેટલાક વિસ્તારોમાં ઝરમર-ઝરમર વરસાદને કારણે નવરાત્રી બંધ રહેતા ખેલૈયાઓ ભારે નિરાશ થયા હતાં. કેટલાક સ્થળોએ પ્રસાદ પણ એમને એમ પડયો રહ્યો હતો, બાળાઓ નવરાત્રીની તૈયારી કરીને આવી હતી તેમને પણ માત્ર આરતી ગાવાનો મોકો મળતા તેઓ પણ નિરાશ થઇ હતી. 


જામનગર ઉપરાંત કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, ભાટીયા, જામજોધપુર, કલ્યાણપુર, લાલપુર, ભાણવડ, ધ્રોલ, જોડીયા, ફલ્લા સહિતના અનેક ગામોમાં આ વખતે નવરાત્રીમાં વિક્ષેપ પાડતાં નવરાત્રીના રંગમાં ભંગ થયો હતો અને ઠેકઠેકાણે ખેલૈયાઓને મોંઘાદાટ ડ્રેસના પૈસા પણ માથે પડયા હતાં. હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી છે, આજે અને આવતીકાલે નવરાત્રી મહોત્સવ ચાલવાનો છે ત્યારે વરસાદ વિક્ષેપ ન પાડે તો આ મહોત્સવ આગળ ચાલી શકે. 


નવરાત્રીના બે દિવસ બાકી છે, મોટાભાગે આજનો દિવસ જ માઁ અંબાની આરાધના કરશે, આવતીકાલે તો તમામ નાની-મોટી ગરબીઓમાં બાળાઓને મોટી લ્હાણીનું વિતરણ કરવામાં આવશે ત્યારે આજે જો વરસાદ ન આવે તો બાળાઓ છેલ્લા દિવસે પણ સારો એવો રાસ રમી શકશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application