જામનગર : શહેરમાં પૂ.મહંત સ્વામીની ઉપસ્થિતિમાં પારસમણી સંમેલન યોજાયુ: હજારો હરીભકતો ઉમટયા

  • November 21, 2025 01:19 PM 


આજના આધુનિક યુગમાં મોબાઇલ અને સોશ્યલ મીડીયાનો પ્રભાવ વધી રહ્યો છે, આ અંગે ચિંતા વ્યકત કરતા સ્વામીનારાયણ સંપ્રદાયના મહંત પૂ.મહંત સ્વામીએ જણાવ્યું હતું કે, મોબાઇલ અને સોશ્યલ મીડીયા લોકોનું જીવન બગાડે છે તેનાથી સાવધાની રાખવાની જરૂર છે, ભકતોને સલાહ આપતા કહ્યું હતું કે, મોબાઇલનો ઉપયોગ કરતી વખતે તેનું રીમોટ આદ્યાત્મીક ગુરૂના હાથમાં રાખવું જોઇએ જેથી તેનો સદઉપયોગ થઇ શકે અને મોબાઇલના દુરૂપયોગથી બચી શકાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો ધુળ મારા કપડા બગાડે તો હું ધુળથી દુર રહું છું એવી જ રીતે કાદવ મારા કપડા બગાડે તો હું કાદવથી દુર રહું છું. 


બીએપીએસ સંસ્થાના વડા અને પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી મહંત સ્વામી મહારાજે ૯૨ વર્ષની વયે પણ અવિરત વિચરણ કરી રહ્યા છે અને દેશ-વિદેશમાં મંદિરોના નિર્માણ, સંતોની દિક્ષા અને મહોત્સવ દ્વારા કાર્યકરોને પ્રેરીત કરે છે, તેમનો મુખ્ય ઉદેશ્ય જગતને એક સુંદર અને સંસ્કારી વિશ્ર્વ બનાવવાનો છે.

​​​​​​​


પૂ.મહંત સ્વામીની હાજરીમાં પારસમણી યુવા વિરાટ સંમેલન યોજાયું હતું જેમાં ગામેગામથી હરીભકતો ઉમટી પડયા હતાં. રોકાણ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો, પુજા દર્શન અને સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, મંદિરમાં દરરોજ સભા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સંવાદ, નાટક, ડીબેટ અને પ્રશ્ર્નોતરી જેવા કાર્યક્રમ યોજાયા હતાં, જામનગર એક સંસ્કારી નગરી અને આદ્યાત્મીક નગરીમાં પરીવર્તીત થયું હતું અને ભકતોએ સંત, શાસ્ત્ર અને મંદિરના ત્રિવેણી સંગમનો અનુભવ કર્યો હતો. 


આ તકે અપૂર્વ સ્વામી મહારાજે કહ્યું હતું કે, યુવા પેઢી વિવેકાનંદ જેવી મહાન વ્યકિત બની શકે છે અથવા વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડનારા ક્રુર વ્યકિત જેવી પણ બની શકે છે, સંતનો સમાગમ યુવાનોને વિસર્જનમાંથી સર્જન તરફ અને દુરાચારમાંથી સદાચાર તરફ તેમજ માનવમાંથી મહા માનવ બનાવે છે, તેમણે ઉમેર્યુ હતું કે, આજનો યુવાન સારા દેખાવા કરતા સારા બનવા ઉપર ઘ્યાન કેન્દ્રીત કરે છે તે પૂ.મહંત સ્વામી મહારાજનો અને સનાતન ધર્મનો સંદેશ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application