પેડલરે અનાજની કોઠીમાં છુપાવેલો ગાંજો ગુનાશોધક શ્વાન મદદથી શોધી કઢાયો

  • May 05, 2025 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આરએમસી આવાસના ક્વાર્ટરમાં એસઓજીની ટીમે ગંધ પારખુ શ્ર્વાનની મદદથી દરોડો પાડ્યો હતો. જેમાં ક્વાર્ટરમાંથી કંઇ શંકાસ્પદ વસ્તુઓ નહીં મળી આવતાં ડોગે તપાસ કરી અનાજ ભરવાની ટાંકીમાંથી ગાંજાનો જથ્થો શોધી કાઢતા પોલીસે નામચીન શખસ ઇમરાન બેલીમને પકડી લઇ તેની પાસેથી રૂ.23 હજારની કિંમતનો 2.341 કિ.ગ્રા. સહિત રૂ. 34 હજારની મત્તા કબજે કરી વધુ કાર્યવાહી કરી હતી.



150 ફૂટ રિંગ રોડ પર સાગર ચોક પાસેના આરએમસી ક્વાર્ટરમાં રહેતો નામચીન ઇમરાન બેલીમ ગાંજાની હેરાફેરી કરતો હોવાની માહિતીને આધારે એસઓજીના પીઆઇ એસ.એમ. જાડેજા અને એન.વી. હરીયાણીની રાહબરીમાં એએસઆઇ ફિરોઝભાઇ શેખ,કોન્સ. કિશોરભાઇ ઘુઘલ, અમિતભાઇ ટુંડીયા તથા ટીમે દરોડો પાડ્યો હતો. ઘરમાંથી પ્રથમ દ્રષ્ટીએ કંઇ શંકાસ્પદ મળ્યું ન હતું. પરંતુ બાતમી ઠોસ હોય પોલીસે નાર્કોટિક્સ ડોગ શેરાની મદદથી તપાસ કરતાં અનાજ ભરવાની ટાંકીમાંથી ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ઇમરાન ઇકબાલભાઇ બેલીમની ધરપકડ કરી તેની પાસેથી 2.341 કિ.ગ્રા. ગાંજો, બે મોબાઇલ, રોકડ સહિત કુલ રૂ.34 હજારની મતા કબજે કરી તપાસ હાથ ધરી હતી.


પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, ઇમરાન બેલીમ અગાઉ હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. મહિનાઓ પૂર્વે જ ઇમરાન જામીન પર છૂટ્યો હતો અને રીક્ષા ચલાવવાની આડમાં ગાંજાનો વેંપલો કરતો હતો. છેલ્લા ચારેક માસથી ઇમરાન સુરતથી ટ્રેન મારફતે ગાંજો લાવી ટ્રેન મારફતે સુરતથી ગાંજાનો જથ્થો લાવી છૂટક પડીકી બનાવી નશાનો કાળો કારોબાર કરતો હતો. ટ્રેનમાં પોલીસથી બચવા ઇમરાન ગાંજાનો થેલો અન્ય કોઈની સીટ નીચે છુપાવી દેતો હતો અથવા તો ખાલી સીટ નીચે રાખી દેતો હતો. બાદમાં રાજકોટ જંક્શન આવે તે પૂર્વે ટ્રેન ધીમી પડે ત્યારે અવાવરું સ્થળ પર ચાલુ ટ્રેનમાંથી થેલો બહાર ફેંકી દેતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application