અમદાવાદમાં ગુમ નિવૃત્ત જજને પોલીસ ત્રણ વર્ષે પણ શોધી ન શકી, હાઈકોર્ટે પોલીસનો ઉધડો લીધો

  • November 27, 2026 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં એક સમયે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવી ચૂકેલા ગુજરાતના નિવૃત્ત જજ રાજેશભાઈ વિનોદરાય ઓઝા છેલ્લા ત્રણ વર્ષથી રહસ્યમય સંજોગોમાં લાપતા છે. લાંબા સમય સુધી પોલીસ તંત્ર દ્વારા તેમની કોઈ ભાળ ન મળતા અને તપાસમાં દાખવવામાં આવેલી ઘોર ઉદાસીનતાને કારણે આખરે તેમની પુત્રીએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.  આ મામલે જસ્ટિસ ભાર્ગવ કારીઆ અને જસ્ટિસ હેમંત પ્રચ્છકની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ખંડપીઠે એક નિવૃત્ત ન્યાયિક અધિકારીને શોધવામાં પોલીસની ત્રણ-ત્રણ વર્ષની નિષ્ફળતા અને બેદરકારી પર અત્યંત આકરી નારાજગી વ્યક્ત કરી હતી.  હાઇકોર્ટે પોલીસની કાર્યપદ્ધતિ પર વેધક સવાલો ઉઠાવતા ટકોર કરી હતી કે, શું આપણે કાયદા વિનાના શાસનમાં જીવી રહ્યા છીએ? રાજ્યમાં આખરે આ બધું શું ચાલી રહ્યું છે? અદાલતના આક્રમક વલણને પગલે સરકારી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે એક તબક્કે રાજ્યના પોલીસ વડાને રૂબરૂ કોર્ટમાં હાજર કરવાની અને આ મામલે બેદરકારી દાખવનાર કસૂરવાર પોલીસ સ્ટાફને ઘરભેગા કરવાની કડક ચીમકી ઉચ્ચારી હતી. અદાલતે આ કેસમાં રાજ્ય સરકાર, રાજ્યના ડીજીપી, અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના સંબંધિત પક્ષકારોને નોટિસ પાઠવી છે. ત્રણ વર્ષથી ગુમ થયેલા નિવૃત્ત જજને શોધવા માટે પૂરતા પ્રયાસો કેમ કરવામાં આવ્યા નથી, તે મુદ્દે અદાલતે જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

પોલીસના વલણની આકરી ઝાટકણી કાઢતા ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે, જો એક નિવૃત્ત ન્યાયિક અધિકારીના કિસ્સામાં પોલીસનું આવું ઉદાસીન વલણ હોય તો એક સામાન્ય નાગરિકની શું હાલત થતી હશે તે સમજી શકાય તેમ છે. એક વ્યક્તિ ત્રણ-ત્રણ વર્ષથી ગુમ છે અને પોલીસ હજુ સુધી આ મામલે એફઆઇઆર પણ નોંધી રહી નથી, તે બાબત દર્શાવે છે કે આપણે કેવી અરાજકતાની સ્થિતિમાં જીવી રહ્યા છીએ.

નિવૃત્ત જજ રાજેશભાઈ ઓઝાની પુત્રીએ હાઇકોર્ટમાં દાખલ કરેલી હેબિયસ કોર્પસ અરજીમાં સમગ્ર ઘટનાક્રમ રજૂ કર્યો હતો. અરજીમાં જણાવાયું હતું કે, તેમના પિતા વર્ષ 2016માં અમદાવાદમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા હતા અને ત્યારબાદ નિવૃત્ત થયા હતા. તેઓ સપ્ટેમ્બર-2023થી રહસ્યમય સંજોગોમાં ઘરેથી ગુમ થઈ ગયા હતા. આ અંગે અરજદારે ઓક્ટોબર-2023માં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, પરંતુ પોલીસે ગંભીરતા દાખવીને એફઆઇઆર દાખલ કરવાને બદલે માત્ર 'જાણવા જોગ' એન્ટ્રી કરીને સંતોષ માન્યો હતો.

અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, તેમના પિતાનું નિવૃત્ત જજ તરીકેનું ફેમિલી પેન્શન મેળવવા માટે પણ કાયદેસરની એફઆઇઆર હોવી અત્યંત જરૂરી છે, જે પોલીસની બેદરકારીના કારણે અટવાયેલું છે. આ ઉપરાંત, પોતાના પિતાને વહેલી તકે શોધી કાઢવા માટે આ કેસની તપાસ ખાસ તપાસ દળ અથવા માનવ તસ્કરી વિરોધી એકમને સોંપવામાં આવે તેવી પણ અરજદારે હાઇકોર્ટ સમક્ષ માંગણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application