સમુદ્રમાં માછીમારી કરવા ગયેલી પોરબંદરની ફિશિંગ બોટોને ફરી પરત બોલાવવામાં આવી

  • May 19, 2025 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર સહિત ગુજરાતની ફિશિંગ બોટો ને ફરી પરત બોલાવી લેવામાં આવી છે દરિયામા ખરાબ હવામાન થવાનું છે તેને કારણે અને પાકિસ્તાન સાથેની વર્તમાન પરિસ્થિતિ અનુસંધાને આમ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે જોકે લેખિતમાં પરિપત્ર મોકલવામાં આવ્યો છે તેમાં આવી કોઈ સ્પષ્ટતા થઈ નથી. 
પોરબંદર સહિત રાજ્યની ફિશિંગ બોટ સમુદ્રમાં માછીમારી કરી રહી છે ત્યારે ગાંધીનગરની મત્સ્યોદ્યોગ કમિશનરની કચેરી ખાતેથી પરિપત્ર મોકલીને જે તે જિલ્લામાં કાર્યરત ફિશરીઝ કચેરીને સૂચના આપીને ફિશિંગ બોટો પરત બોલાવી લેવા જણાવાયું છે જેમાં પરિપત્રમાં જણાવ્યું છે કે ગાંધીનગરની વડી કચેરી ના પત્ર અને સૂચના મુજબ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા દરિયામાં માછીમારી કરવા માટે ગયેલી તમામ બોટને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવી તેમજ અન્ય સુચના ન મળે ત્યાં સુધી માછીમારને દરિયો ખેડવા નહીં જવા દેવા તથા માછીમારો ની બોટને તારીખ ૧૭/ ૫ થી વધુ સુચના ના મળે ત્યાં સુધી ટોકન બંધ કરવા માટે જણાવ્યું હતું અને વધુમાં જે બોટો પરત ફરી છે તેના બોટ માલિકોએ ટોકન સિસ્ટમમાં રિટર્ન એન્ટ્રી ફરજિયાત કરાવવાની રહેશે જેની પણ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
માછીમાર અગ્રણીએ આપી માહિતી
પોરબંદર માછીમાર બોટ એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ જણાવ્યું હતું કે ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા માટેની સૂચના આપવામાં આવી છે પરંતુ તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવામાં આવ્યું નથી. પરંતુ હવામાન ખાતાએ જે રીતે દરિયો ખરાબ થવાની અને વાવાઝોડાની આગાહી કરી છે તે અનુસંધાને અને પાકિસ્તાન સાથેની પ્રવર્તમાન પરિસ્થિતિ અનુસંધાને આ પ્રકારનો નિર્ણય લીધો હોય તેવું માનવામાં આવે છે. 
આમ પણ પહેલી જૂનથી સિઝન થાય છે પૂરી 
ગુજરાત ભરના માછીમારોની સિઝન આમ પણ પહેલી જૂનથી પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે હવે ૧૭મી મેથી માછીમારી માટે નહીં જવા માટેની સૂચના આપવામાં આવી છે ત્યારે હવે આમ પણ નવી ટ્રીપમાં બોટ જાય તો પરત ફરી શકે તેમ નથી તેથી જે મોટો દરિયામાં છે તે પરત આવી જાય તેની રાહ જોવામાં આવી રહી છે. મોટાભાગની ફિશિંગ બોટો અગાઉ જ્યારે પાકિસ્તાન સાથે તંગદિલી ભરી પરિસ્થિતિ હતી ત્યારે જ પોરબંદરના કાંઠે આવી ચૂકી હોવાનું જાણવા મળ્યું છે.
હાર્બર મરીન પોલીસ દ્વારા ‚ટીન ચેકિંગ યથાવત 
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઇ હતી ત્યારથી મળેલી સૂચના પ્રમાણે પોરબંદરના હાર્બર મરીન પોલીસ મથક દ્વારા દરરોજ બોટોનું ચેકિંગ અને કાંઠાના વિસ્તારમાં તપાસ યથાવત રાખવામાં આવી છે. મરીન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર શાળુંકે એ માહિતી આપતા જણાવ્યું હતું કે જે તે સમયે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી ત્યારથી દરિયાકાંઠે ફિશિંગ બોટો અને દંગા વિસ્તારમાં અને કાંઠાના આજુબાજુના વિસ્તારમાં ચેકિંગ ચાલુ છે, અને એ ચેકીંગની કામગીરી હજુ નિયમિત રીતે થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application