ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ તેમની ૧૩૩મી જન્મજયંતિએ જ વિસરાયા

  • May 19, 2025 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલની ૧૧૩મી જન્મજયંતિ છે ત્યારે પ્રજાવત્સલ અને દેવદૂત સમાન મહારાજા સાહેબને ભાવનગરના તમામ રાજકીય પક્ષો ભૂલી ગયા છે.તેઓએ પુષ્પાંજલિ કે કોઈ કાર્યક્રમ રાખ્યો નથી.દરેક નાની બાબતમાં જશ ખાટવા દોડી જતા અને પ્રસિદ્ધિનો ઢોલ ટીપતા રાજકીય પક્ષો માટે આ બહુ જ શરમજનક બાબત છે.
ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલની આજે તા. ૧૯ મેના રોજ ૧૧૩મી જન્મજયંતિ છે.અખંડ ભારતની રચના માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ પોતાનું રાજ્ય સરદાર વલ્લભભાઈ પટેલને અર્પણ કર્યું હતુ.
પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કાઠીયાવાડમાં સૌથી નાની ઉંમરે રાજ્યભાર સંભાળવાનો પ્રસંગ બનેલો. એટલે એમણે તત્કાલીન દીવાન સર પ્રભાશંકર પટણીના ખોળે બેસી રાજ કર્યાની વાતો સૌએ સાંભળેલ છે. મહારાજાના જીવન ઘડતરમાં સર પ્રભાશંકર પટ્ટણી તથા તેમના પરિવારનો મહત્વનો ફાળો છે. 
મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો રાજ્યાભિપેક અને વિવાહ એમ બે શુભ પ્રસંગ ઈ.સ. ૧૯૩૧માં બન્યા. તેમના લગ્ન પ્રસંગે ફક્ત બાવન  દિવસમાં બાંધવામાં આવેલ મંડપ પ્રજાકીય ઉપયોગ માટે  કૃષ્ણકુમારસિંહજી ટાઉનહોલ તરીકે પ્રજાને ભેટ સ્વરૂપ પ્રાપ્ત થયો. જેમાં નાટક, સંગીત, નૃત્ય, વ્યાખ્યાની અને અન્ય પ્રદર્શનોનું સતત સિંચન થયા કર્યું એમણે કવિઓ, શિલ્પકારો, ચિત્રકારો, સંગીતકારોને પ્રોત્સાહિત કર્યા. જેમાં, કવિ દલપતરામ, ગૌવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ દ્વિવેદી, કવિ કાન્ત, કવિ કલાપી, ઝવેરચંદ મેઘાણી, હરીન્દ્ર દવે,ગીજુભાઈ, નાનાભાઈ, રવિશંકર રાવળ, સોમાલાલ શાહ, વિનાયક પંડયા, જ્યોતિ ભટ્ટ,ખોડીદાસ પરમાર તથા ધરમશીભાઈ શાહનો ભાવનગરને લાભ મળ્યો હતો.
મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તદઉપરાંત બ્રાઝીલને ગીર ગાયની ઓલાદ આપી તેમજ અમેરિકાના ગહેડ’ બંધુઓને બાજદારીની સવિશેષ તાલીમ અપાવી. જગનભાઇ મહેતાને ફોટોગ્રાફી શીખવા વિદેશ મોકલ્યા. મહારાજા સાહેબને શાસ્ત્રીય સંગીત પણ ખુબ જ પ્રિય હતું. ગોહિલવંશની ઉદારતાને પુરવાર કરતુ ઉત્કૃષ્ટ ઉદાહરણ જેમના દ્વારા સર્જાયું તે દેશી રાજ્યોના વિલીનીકરણમાં સૌ પ્રથમ પોતાનું રજવાડું અર્પણ કરનાર અને રાજાશાહીના છેલ્લા રાજવી તરીકે રાજ કરી ’મારી પ્રજાનું કલ્યાણ થાઓ’ તે હતો.
અખંડ ભારતની રચના માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ પોતાનું રાજ્ય સરદાર વલ્લભભાઈ પટેલને અર્પણ કર્યું હતુ.તત્કાલીન કેન્દ્ર સરકારે તેમને મદ્રાસના ગવર્નર બનાવ્યા હતા.જે માટે તેમણે ફક્ત એક રૂપિયાનું ટોકન વેતન સ્વીકાર્યું હતું.
એમને આ પ્રસંગે આજીવન નતમસ્તક થઈને જીવવું ગમે તેવા પ્રજાવત્સલ કૃષ્ણકુમારસિંહજીને આજના દિવસે લાખ લાખ વંદન કરીએ. અને અંતમાં એક રાજાના જીવનનું લક્ષ્ય શું હોય તે મહારાજાએ એક શ્લોક દ્વારા દર્શાવ્યું છે. કે, ’ન કામયે રાજયંને સ્વર્ગ ને પુન:ભવેમાં કામયે દુ:ખતમાનામ પ્રાણીનામ આર્નિનાશનમ જાજા’ અર્થાત મારે જોતા નથી, સુખવૈભવ કે પુનર્જન્મની ઈચ્છા નથી. હું તો ઈચ્છું એટલું જ કે મારી પ્રજાના દુ:ખદર્દો દૂર થાય.
પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલને તેમની જન્મજયંતિએ આજે તા.૧૯ને સોમવારે યાદ કરીને પ્રજાજનો આજે પણ યાદ કરે છે.ભારતભરમાં બહુ જ ઓછાં રાજા - મહારાજા ઓ પ્રજાવત્સલ હતા. જેમાંના કૃષ્ણકુમારસિંહજી એક છે તે આપણા ભાવનગર માટે બહુ જ ગૌરવની વાત છે

.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application