અત્યારનું તો કરો! ચોમાસામાં ખાડા પુરવા બે કરોડનું ટેન્ડર, રાજકોટ મનપાના ઈચ્છાધારી ઇજનેરોને લાખો-કરોડોના ટેન્ડરમાં ઉંડો રસ

  • May 22, 2025 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના ઇચ્છાધારી ઇજનેરોને વરસાદ આવે તે પહેલાં રાજકોટના રાજમાર્ગો તેમજ આંતરિક રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓના રસ્તાઓ ઉપરના ખાડા પુરવાની કે નવું ખોદકામ નહીં કરવાની કામગીરી કરવામાં બિલકુલ રસ નથી, ફક્ત તકેદારી દાખવવાથી અકસ્માતો નિવારે તેવા અને નિ:શુલ્ક થઇ શકે તેવા કામને બદલે લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે જ થતા હોય તેવા કામ કરવામાં ઉંડો શંકાસ્પદ રસ છે. હાલમાં શહેરના રસ્તાઓ ઉપરના ખાડા પુરવા ઉપર કોઇ ધ્યાન અપાતું નથી અને ચોમાસામાં જેવો વરસાદ વરસે કે તુરંત દર વર્ષની જેમ દોષનો ટોપલો મેઘરાજા ઉપર ઢોળીને વરસાદના કારણે રસ્તા તૂટ્યાનું જાહેર કરી કોન્ટ્રાકટરને કમાણી કરવાનો રસ્તો કરી અપાશે.


વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં ચોમાસામાં રસ્તાઓ ઉપર પડતા ખાડા તાત્કાલિક પુરી શકાય તે માટે સિટી એન્જીનિયર કક્ષાએથી રૂ.૧.૯૦ કરોડની અપસેટ પ્રાઇસ સાથેનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. પ્રિ-મોન્સૂન પ્લાન અંતર્ગતની કાર્યવાહીના ભાગરૂપે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.


પ્રિમોન્સૂન પ્લાન અંતર્ગત કરવા જેવી અનેક કામગીરી છે જેવી કે વોંકળાઓની સફાઇ કરવી અને તેમાંથી દબાણો દૂર કરવા, ડ્રેનેજના તમામ મેનહોલની સફાઇ અને તમામ ઢાંકણાઓનું ચેકિંગ કરવું, ભયગ્રસ્ત મિલકતોને નોટિસ આપવી, અતિ ભયગ્રસ્ત મિલકતો ખાલી કરાવવી, વૃક્ષોના નડતરરૂપ ડાળખા અને પાંદડા દૂર કરવા, સ્ટ્રીટલાઇટો રિપેર કરવી તેવી કામગીરી કરવાને બદલે ફક્ત ડામર રસ્તાઓ ઉપરના ખાડા રિપેર કરવાની કામગીરીને જ પ્રાધાન્ય અપાયું છે.


ગત વર્ષે ચોમાસામાં રસ્તાઓ ઉપરના ખાડા પુરવા માટે જેટ પેચરથી કામ કરાયું હતું, જેટ પેચરથી ખાડા તત્કાલ પુરાય જાય છે, તેમ છતાં ગત વર્ષે જેટ પેચરથી રિપેર કરાયેલા ખાડા ઉપરનો ડામર પણ ઉખડી જતા તે ફરી તૂટી ગયા હતા ! આ ચોમાસે આવું ન બને જોવું મ્યુનિ.તંત્રવાહકોની ફરજ છે. ખાસ કરીને તા.૧૫ જુનથી વિધિવત ચોમાસાનો પ્રારંભ થાય તે પૂર્વે શહેરના તમામ ખાડા પૂરવાની કામગીરી કરવા કમિશનર સ્તરેથી આદેશ કરવામાં આવે તે જરૂરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application